72માં વન મહોત્સવ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાનો વનમહોત્સવ કાર્યક્રમ, વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કાર્યક્રમ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ વૃક્ષપ્રેમી સંસ્કૃતિ છે. છોડમાં રણછોડ છે એમ આપણે વૃક્ષોની પૂજા પણ કરીએ છીએ. ત્યારે લોકોએ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવુ જોઇએ. સરકારે સાંસ્કૃતિક વનો વિકસાવ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારીથી, શાળા કોલેજો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનમાં યુવાનો ખાસ જોડાય તે જરૂરી છે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, વૃક્ષ વગરની જીવસૃષ્ટિ કલ્પી શકાય નહીં.દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. પ્રદૂષણ અટકાવવા માટે આપણે વૃક્ષો વાવવા જોઇએ. ગામડાઓ, શહેરો વૃક્ષોથી લીલાછમ રહે તે માટે વનવિભાગ દ્વારા રોપા વિતરણ કરવામાં આવે છે. સરદાર પટેલ રમત સંકુલના પ્રટાંગણમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.