વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન:પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે 41મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન ઉજવવામાં આવશે

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે 41મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન તારીખ 26/09 થી 05/10/2022 દરમ્યાન ઉજવવામાં આવશે. સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક સસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે 9થી શ્રીરામ ચરિતમાનસનું મૂળ પારાયણ થશે. તથા બપોર બાદ 3:30 વાગ્યેથી પ્રતિદિન પરમ પૂજ્ય શ્રી રાઘવાચાર્યજી મહારાજના વ્યાસાસનથી શ્રી વાલ્મીકિ રામાયણ કથાના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રી કરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે.

સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ
શારદીય નવરાત્રિ મહોત્સવમાં વિશેષત:તારીખ 04/10/2022 મંગળવારના રોજ બપોર બાદ 3:30થી 26મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 26મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજ્ય રમેશબાબાજી મહારાજ, વ્રજ,ગોકુલને દેવર્ષિ એવોર્ડ, આચાર્ય પ્રોફેસર રામચંદ્ર ભટ્ટ, બેંગ્લોરને બ્રહ્મર્ષિ અવોર્ડ, શ્રેષ્ઠીવર્ય પદ્મશ્રી બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડ અને સરદાર કન્યા વિદ્યાલય એવં છાત્રાલય,બારડોલી, સુરતના સુશ્રી નિરંજનાબેન કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં ભાગવતાચાર્ય​​​​​​​ રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રી રામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રી હરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા.28/09/22ના રોજ કરુણામયી માતાજીના નૌકાવિહાર, તા.01/10/22ના રોજ જલ પુષ્પાભિષેક, તા.03/10/22, દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે. તારીખ 05/10/2022 વિજયાદશમીના અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે. તેમજ વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્વજાનું પૂજન થશે અને સાયંકાલે 5:00 વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે ભાગવતાચાર્ય​​​​​​​ રમેશભાઈ ઓઝા અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે.

વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે ભાગવતાચાર્ય​​​​​​​ રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ 26/09થી 04/10/22 સુધી પ્રતિદિન સવારે 9થી બપોરે 1 સુધી દંતયજ્ઞ કેમ્પ, તારીખ 30/09/2022ના રોજ સવારે 8:30થી 12:30 સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 01/10/2022ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાનાર પલ્મોનોલોજીકેમ્પ જેમાં રાજકોટના જાણીતા ડૉ.જયેશ ડોબરીયા તથા એન્ડોક્રાઈનોલોજી કેમ્પમાં અમદાવાદના ડૉ.વિવેક આર્ય પોતાની સેવા આપશે. આ બન્ને કેમ્પનો સમય સવારે 9 થી 1 સુધી રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...