માધવપુર ગામે રાષ્ટ્રીયકક્ષાના મેળાનું આયોજન કર્યું હતું, પરંતુ નક્કર હકીકતએ છે કે મેળા પછી માધવપુરમાં એક પણ રૂપિયાનો વિકાસ કરવામાં આવ્યો નથી તેવું કોંગ્રેસના સિનિયર અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે. અને તેઓએ આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.
રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે માધવપુરના મેળાને રાષ્ટ્રીય કક્ષાનો મેળો બનાવી ભવ્ય આયોજન હાથ ધર્યું, પરંતુ સ્થાનિક કક્ષાએ જે પર્યટન ધામોના વિકાસ માટે ફૂટી કોડી પણ ફાળવી નથી. ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા, ત્યાં માધવરાયજીનું પ્રાચીન મંદિર આવેલ છે. ૧૨મી સદીના ઐતિહાસિક મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા ભાંગી તૂટી ગઈ છે.
ઐતિહાસિક ધરોહર સમી ઈમારતની જાળવણી અને જતન કરવામાં આવતી નથી. બહારથી આવતા પ્રવાસીઓ સ્મારકની જીર્ણ શીર્ણ હાલત જોઈને આક્રોશ ઠાલવે છે. રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પુરાતત્વ ખાતાએ સ્મારકને નુકસાન પહોંચાડનારાઓ સામે પાંચ હજાર રૂપિયાનો દંડ અથવા ૩ મહિનાની સાદી કેદની સજા થશે તેવું બોર્ડ મૂક્યું છે.
પરંતુ અહીં આવતા જણાઈ આવે છે કે પુરાતત્વ ખાતું જ બેદરકાર બનીને આ સ્મારકને નુકશાન પહોંચાડી રહ્યું છે. જેથી તેના અધિકારીઓને જ સજા કરવી જોઈએ અને મુખ્યમંત્રીએ તાત્કાલિક તેના પુરાતત્વ ખાતાને આદેશ આપીને આ સ્મારકને વધુ જર્જરિત થતું અટકાવી તેની વ્યવસ્થિત જાળવણી થાય તેવા પ્રયત્ન કરવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.