તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં 35 ક્લસ્ટર ખાતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને સુસજ્જ કરવા તાલીમ અપાશે : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું
  • 43.40 ટકા જ શિક્ષકો હાજર રહ્યા, આયોજનની જાહેરાત થતા જ વિવાદ સર્જાતા સરકાર દ્વારા આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત કરાયું હતું

પોરબંદર જિલ્લામાં 35 ક્લસ્ટર ખાતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાય હતી જેમાં માત્ર 43.40 ટકા જ શિક્ષકો હાજર રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનની જાહેરાત થતા જ વિવાદ સર્જાયો હતો. જેથી સરકાર દ્વારા આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં 2 શૈક્ષિક સંગઠનો વચ્ચે ખેંચતાણ ચાલી હતી. જેથી પોરબંદર જિલ્લામાં માત્ર 43.40 ટકા જ શિક્ષકો હાજર રહ્યા હતા. શિક્ષણ અધિકારી કણસાગરાના જણાવ્યા મુજબ શિક્ષણ સુધારણા હેતુ સર્વે ચાલે છે.

સરકારને લાગે કે અહીં શિક્ષણ સુધારણાની કેવા પ્રકારની જરૂર છે અને તે દિશામાં શિક્ષણ સુધારણા કરી શકાય. આ કોઈ શિક્ષકોની કસોટી નહિ પણ સર્વેક્ષણ છે. અભિપ્રાય લેવાના હોય છે. માર્ક કે રિઝર્ટ મળવાના ન હોય અને આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે. શિક્ષકો પોતે જે વિષયો ભણાવે છે તેની અધ્યયન નિષ્પતિઓમાં સિધ્ધિ ને વધુ સજજ બનાવવા અને તેને આધારે ભવિષ્યમાં તાલીમોનું આયોજન કરી શિક્ષક તરીકેના વ્યવસાયમાં વધુ સુસજ્જ કરવા માટે નો જ એકમાત્ર હેતુ છે.

આમછતાં જિલ્લામાં 43.40 ટકા શિક્ષકો હાજર રહી સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. જિલ્લામાં 35 ક્લસ્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પોરબંદરમાં 19, રાણાવાવ ખાતે 9 અને કુતિયાણા ખાતે 7 ક્લસ્ટર રાખવામાં આવ્યા હતા. બપોરે 2 થી 4 સજ્જતા સર્વેક્ષણમાં આચાર્ય સહિત શિક્ષકોએ ભાગ લીધો હતો. જે તે શિક્ષકોએ પોતાના વિષયનું જ્ઞાન અંગે સર્વેક્ષણ કર્યું હતું.

શિક્ષણ અધિકારીએ શિક્ષકોને મેસેજ કરી સમજાવ્યા હતા
જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરાએ આચાર્ય અને શિક્ષકોને મેસેજ કરી જણાવ્યું હતું કે શિક્ષક સજજતા સર્વેક્ષણ સર્વેક્ષણના પરિણામો જાહેર કરવામાં આવનાર નથી તથા આ સર્વેક્ષણને ભવિષ્યમાં આપણા ઉચ્ચતર પગારધોરણ, બદલી જેવા સેવાકિય હેતુઓ સાથે પણ જોડવામાં આવનાર નથી. જેથી આ સર્વેક્ષણ બાબતે કોઇ ડર રાખવાની જરુર નથી. વધુ માં વધુ સર્વેક્ષણમાં જોડાઇએ અને શિક્ષક તરીકે વધુ સુસજ્જ બનીએ તેવો મેસેજ પણ કર્યો હતો.

કેટલા શિક્ષકો હાજર અને કેટલા ગેરહાજર રહ્યા?
પોરબંદર જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં કુલ 1635 શિક્ષકો માંથી 708 શિક્ષકો હાજર રહ્યા હતા જ્યારે 927 શિક્ષક ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...