દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય અને લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તેના માટે છેલ્લા 22 વર્ષથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 7 અને 8 જાન્યુઆરીના રોજ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદર ખાતે થઇ રહ્યું છે. જેમાં ભારત ભરભરમાંથી તરવૈયા સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાશે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1,2, 5 અને 10 કિલોમીટરની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે. જેમા 6-14, 14-40, 40-60 અને 60થી વધુની ઉંમરનાં લોકો અને ખાસ કરીને દિવ્યાંગો તેમા ભાગ લઈ શકશે.
એસએફઆઈનાં માર્ગદર્શન હેઠળ યોજાશે સ્પર્ધા
આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી રેસ્ક્યુ માટે ઈન્ડિયન નેવી, ઈન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર છાંયા નગરપાલિકા, એસએસબી ખડેપગે રહેશે. તેમજ પોરબંદર માછીમાર સમાજનાં પીલાણા તથા જિલ્લા વહીવટીતંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોય, લાઈફ જેકેટ પુરા પાડવામાં આવ્યા છે. તેમજ 10 જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત મેડિકલ સહાય માટે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ પોરબંદર તથા 108ની સેવા મળશે. આ સ્પર્ધા એસએફઆઈ (Swimming Federation of India)નાં માર્ગદર્શનથી તેમજ FINAના નિયમો મુજબ યોજાય છે. તેમજ SFIમાંથી ઓબર્ઝવર હાજર રહેશે.
સ્પર્ધાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજીત આ કોમ્પિટિશનમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો તથા તેમની સાથે કોચ તથા બાળકોનાં વાલીઓ હાજર રહેશે. જેનાં લીધે આ બે દિવસોમાં પોરબંદરની મોટા ભાગની હોટેલો બુક રહેશે અને પોરબંદર તથા આજુબાજુનાં પ્રવાસન સ્થળોમાં પણ મોટી સંખ્યામા લોકો મુલાકાત લેશે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આ સ્પર્ધાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લબના તમામ સભ્યોને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. આ સ્પર્ધા જાહેર જનતાને નિહાળવા માટે બંને દિવસે ખાસ ઉપસ્થિત રહેવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સ્વિમિંગ સ્પર્ધામાં કેટલાએ ભાગ લીધો?
1 કિ.મી.વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 506
2 કિ.મી.વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 140
5 કિ.મી.વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 121
10 કિ.મી.વિવિધ કેટેગરી વાઇઝ ભાઇઓ-બહેનો તથા બાળકો મળીને કુલ - 48
1 અને 5 કિ.મી.માં દિવ્યાંગ-25 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.