12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની 169 મી જન્મજયંતિ છે ત્યારે પોરબંદરમાં ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ રામકૃષ્ણ મિશન ખાતે વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિવેકાનંદ મેમોરિઅલ ખાતે વકૃત્વ સ્પર્ધા, ચિત્રકામ અને નિબંધ સ્પર્ધા યોજાઇ હતી અને વિજેતાઓનો પુરસ્કાર સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છેકે, 1890થી 1892ના ભારત ભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહ્યા હતાં.
તેઓ પોરબંદરમાં અહી 4 માસ રહ્યા હતા. જે સ્થળે 4 માસ રહ્યા તે સ્થળ ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલી છે અને અહી 1997ની સાલથી રામ કૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ કાર્યરત છે. આ સંસ્થાના સ્વામી આત્મદીપાનંદજી અને સ્વામી હરિહરજીના જણાવ્યા અનુસાર આ જગ્યા તે વખતે ભોજેશ્વર બંગલો તરીકે જાણીતી હતી અને આ જગ્યા ના વહીવટકર્તા પોરબંદરના તે વખત ના એડમિનિસ્ટ્રેટર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ શંકર પાંડુરંગ પંડિત હતા.
સ્વામી વિવેકાનંદ તેમના મહેમાન બન્યા હતા. સ્વામી વિવેકાનંદ અહી 4 મહિના જેટલો સમય રહ્યા હતા. શંકર પાંડુરંગ પંડિત પણ અતિ વિદ્ધાન અને 14 ભાષાના જાણકાર હતા. સ્વામીજી પણ તેમની પાસેથી ફ્રેંચ ભાષા શીખ્યા હતા. તો સ્વામીજીએ તેમને અથર્વવેદના ભાષાંતરમાં મદદ કરી હતી. અને પાણીની મહાભાસ્યનો અભ્યાસ પણ તેઓએ અહી રહીને જ કર્યો હતો.
સ્વામીજી રોકાયા તે ઓરડો અને પાટ આજે પણ યથાવત
સ્વામી વિવેકાનંદે તા. 1 નવેમ્બર 1891ના રોજ પોરબંદર માં આવેલ ગોપાલલાલજીની હવેલીની મુલાકાત લીધી હતી. તે સમયે હવેલી ખાતે તેઓ જે પાટ પર બેઠા હતા તે પાટ પણ બાદમાં હવેલી ખાતેથી આ ઓરડામાં લાવવામાં આવી હતી અને હાલ પણ એ પાટએ ઓરડામાં જ રાખવામાં આવી છે. જે ઓરડામાં રહીને સ્વામીજી એ 4 માસ ગાળ્યા હતા તે ઓરડો આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.