પશુ પર લમ્પી વાયરસનો ખતરો:પોરબંદરમાં 17 જેટલી ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા, 2 ગાયનું મોત, તંત્ર દોડતું થયું

પોરબંદર21 દિવસ પહેલા
  • શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર જીઆઈડીસી વિસ્તારમાં આઇસોલેટ કરવામાં આવી
  • ટીમ દ્વારા વોલ બ્લડના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. 17 જેટલી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. જેમાંથી 2 ગાયનું મોત પણ નિપજ્યું છે. ગાયોમાં શંકાસ્પદ લમ્પી વાયરસને લઈ એ.ડી.આઈ.ઓ જૂનાગઢની ટીમ પોરબંદર પહોંચી છે.

પોરબંદર જિલ્લામાં 17 જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. જેમાંથી 2 ગાયનું મોત પણ નિપજ્યું છે. શંકાસ્પદ ગાયોનો લેબ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે માટે વોલ બ્લડના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ.ડી.આઈ.ઓ જૂનાગઢની ટીમ હાલ પોરબંદર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ગાયોને શહેરથી દૂર જીઆઈડીસી વિસ્તારમાં આઇસોલેટ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ લમ્પી વાયરસના કેસ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે.

સૌરાષ્ટ્રમાં જામનગર બાદ પોરબંદર જિલ્લામાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા પશુપાલન વિભાગ સહિત જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ વાયરસનો પગપેસારો વધુ પશુઓમાં ન ફેલાય તે માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં હાલમાં પોરબંદર શહેર વિસ્તારમાં જ 17થી વધુ લમ્પી વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ કેસો સામે નહી આવતા તંત્ર માટે રાહતના સમચાર છે.

પશુઓમાં ગાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળતા લમ્પી વાયરસનું પ્રમાણ વધે નહી તે માટે પોરબંદર શહેરથી દૂર જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ગાયો માટે અલગ આઈસોલેટ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જ્યા આ પશુઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે અને જે પણ શંકાસ્પદ પશુઓ જણાય તેઓને અહી લાવવામાં આવી રહ્યા છે. લમ્પી વાયરસ એટલે કે અછબડા અને શિતળા જેવા આ રોગની સારવાર માટે કુલ 7 જેટલી ડોક્ટરોની ટીમ બનાવી તેઓની સારવાર કરવામાં આવી રહી છે.

પોરબંદરના મદદનીશ પશુપાલન નિયામકે આ અંગે જણાવ્યુ હતુ કે, આ એક ચામડીનુ વાયરલ ઈન્ફેકશ છે જેને આપણે શિતળા અથવા અછબડા કહી શકીએ. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી લીમ્પી વાયરસના 17-18 શંકાસ્પદ કેસો આવ્યા છે જેમાંથી 1 ગાયનું મોત થયુ છે. આ તકે પશુપાલન નિયામકે જિલ્લાના પશુપાલકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, આ રોગ રખડતા પશુઓને જ આ રોગ થતો હોય છે તેથી પશુપાલકો પોતાના પશુઓને રસ્તા પર છુટા ન મુકે જેથી આ રોગને અટકાવી શકાય.

પોરબંદરમાં જોવા મળેલા લમ્પી વાયરસના શંકાસ્પદ કેસોની યોગ્ય સારવાર કરી શકાય તેમજ આ કેસો લમ્પી વાયરસના છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ શકે તે માટે પોરબંદર પશુપાલન વિભાગે આ અંગે જૂનાગઢ એડીઆઈઓની મદદ માગતા જૂનાગઢ એડીઆઈઓના મદદનીશ પશુપાલન નિયામક એમબ્યુલન્સ સહિતની ટીમ સાથે પોરબંદર જીઆઈડીસી ખાતે આઈસોલેટ વોર્ડ ખાતે પહોંચી જરુરી કામગીરી હાથ ધરી હતી. જૂનાગઢ એડીઆઈઓના મદદનીશ પશુપાલન નિયામકે તેમના દ્વારા કરવામાં આવેલી કામગરી અંગે તેમજ લમ્પી વાયરસના લક્ષણો અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, જે પશુઓની અંદર આ વાયરસ જોવા મળે છે તે પશુઓને શરીરની અંદર નોડ્યુલ્સ થાય છે અને શરિરમાં નબળાઈ આવી જતી હોય છે. આ પશુઓમાં લીમ્પી વાયરસ છે કે કેમ તે જાણવા માટે હાઈ મિડીયા રાઈઝની અંદર બલ્ડ સેમ્પલ, શીરમ સેમ્પલ તેમજ નોડ્યુલના સ્કીન સ્કેપીંગ અને નેઝલ સ્વેબ લેવામં આવ્યા છે જેને અમદાવાદ રિપોર્ટ માટે મોકવામાં આવશે. ત્યારબાદ રીપોર્ટ આવ્યા બાદ લીમ્પી ડીસીઝ છે કે કેમ તે જાણી શકાશે. આ રોગ ગાયોને જ્યારે થાય છે ત્યારે ચામડી ઉપર મોટા નોડ્યુલ થઈ જવા તેમજ તાવ આવવો આઈ તેમજ નોઝલ ડિસ્ચાર્જ થાય છે. પોરબંદરમાં લીમ્પી વાયરસના શંકાસ્પદ કેસોના રીપોર્ટ માટે સેમ્પલ લેવા માટે આવેલી જૂનાગઢની ટીમના પ્રાથમિક તારણ મુજબ આ ગાયોને લીમ્પી વાયરસ હોય તેમ લાગી રહ્યુ છે જેથી તેની પ્રાથમિક સારવાર પણ શરુ કરી દેવામાં આવી છે જોકે, ખરેખર આ ગાયોને આ રોગ છે કે કેમ તો તો સેમ્પલોનો રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. હાલ તો પોરબંદર પશુપાલન વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના પશુઓને ઘરની અંદર જ રાખે તેમજ જે પણ પશુઓમાં આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત પશુપાલન વિભાગનો સંપર્ક કરે જેથી યોગ્ય સારવાર કરી શકાય. ​​ઉલ્લેખનીય છે કે, પોરબંદર ઉપરાંત જામનગરમાં પણ અનેક ગાયોમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા હતા. જામનગરના છેલ્લા એક મહિનામાં લમ્પી વાયરસના 217થી વધું કેસ નોંધાયા છે. ત્યારે જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

લમ્પી વાઈરસના લક્ષણો
ગાયને થતા લમ્પી વાઈરસના લક્ષણોની વાત કરીએ તો, ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસ થાય છે. સૌ પ્રથમ વખત તાવ આવવો, ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા થાય, નાકમાંથી પાણી અને અને વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો લોહી પણ નીકળે છે. તદઉપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે.

રોગ ન ફેલાય એ માટે સાવચેતીના પગલા જરૂરી
સાવચેતીનાં પગલારુપે ખાસ કરીને જે પશુમાં લક્ષણો જોવા મળે એ પશુઓને બીજા પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, તેમાં જુ, ઇતરડી, ચાંચડ, મચ્છર વિરોધી દવાનો છંટકાવ કરવો. અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાયરસ કાબુમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...