આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં બાળાઓને અનુભવ જન્ય તથા લર્નિંગ બાય ડુઈંગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. હાલ જ્યારે ગોખણિયું શિક્ષણ વિદ્યાર્થીને માત્ર પરીક્ષા પુરતું જ ઉપયોગી નીવડે છે ત્યારે વિભિન્ન કલા, સંસ્કૃતિ તથા અન્ય પાસાંઓને પણ પ્રાયોગિક રીતે સમજી વિચારીને અભ્યાસ કરે તો તે અર્થસભર શિક્ષણ બને તેવા હેતુથી પાઠ્યક્રમ ચલાવી પ્રાથમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપત્તિ અને વ્યવસ્થાપનમાં વિવિધ કુદરતી આપત્તિઓ જેવીકે પૂર, વાવાઝોડું, દુષ્કાળ, જ્વાળામુખી, ભૂકંપ વગેરેને એક કઠપુતલી કાર્યક્રમનું આયોજન કરી સમજાવવામાં આવ્યું હતુ.
એ ઉપરાંત સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતામાં સામાજિક સમસ્યાઓને પણ કઠપુતલીના કાર્યક્રમ દ્વારા સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કઠપુતલીના તમામ મોડેલ સ્ટેજ એટલું જ નહીં એની સમગ્ર સ્ક્રીપ્ટ પણ વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ વિદ્યાર્થિનીઓએ જ કર્યું હતું.
જેનું માર્ગદર્શન સામાજિક વિજ્ઞાનના શિક્ષક પાયલબેન પરમારે પૂરું પાડ્યું હતું. આ વિષયને આટલો હળવો કરી સમજાવવાથી વિદ્યાર્થિનીને સહેલાઈથી યાદ રહી જાય અને કઠપુતલીની વિસરાઈ જતી કળા વિષે માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું તેવું આચાર્યા ડો.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.