તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય લોકો માટે નિયમ ને નેતાઓ માટે છૂટ?:પોરબંદરામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ; સરકારી તમામ કાર્યક્રમો પર રોક હોવા છતાં ચોપાટી પર 25થી વધુ ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેતાઓએ ભેગા મળી જાહેરનામાનો ભંગ કર્યો - Divya Bhaskar
નેતાઓએ ભેગા મળી જાહેરનામાનો ભંગ કર્યો
  • પોરબંદરના સાંસદે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું, ચોપાટી પર રૂ. 1 કરોડના ખર્ચે ફૂડ ઝોન બનશે, નેતાઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં એકસાથે એક સ્થળે 5 કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હાલ સામાજિક અંતર ન જાળવનાર ધંધાર્થીઓ સામે ગુન્હો નોંધવામાં આવે છે. તાજેતરમાં એક યુવાનના પિતાનું મૃત્યુ થતા પિતાના બારમાની વિધિ પ્રસંગે જાહેરનામા મુજબથી વધુ વ્યક્તિઓ એકત્ર થતા પુત્ર સામે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તો આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈએ તેવું કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું હતું. અને આવા કાર્યક્રમો હાલની કોરોનાની સ્થિતિએ કરવા ન જોઈએ તેવું પણ જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં કોરોનાને પગલે એકજ સ્થળે એકસાથે 5 વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ છે ત્યારે ગઈકાલે ચોપાટી ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પણ અને ફૂડઝોનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 25થી વધુ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.થોડા દિવસો પહેલા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પોતાની ગ્રાન્ટ માંથી કુલ 11 એમ્બ્યુલન્સ મંજુર કરાવી હતી. જેમાં એક એમ્બ્યુલન્સ આવતા ચોપાટી ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું આ એમ્બ્યુલન્સ પાલિકાને ફાળવવામાં આવી છે.

આ કાર્યક્રમ સાથે ચોપાટી પર ફૂડઝોન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયાએ જણાવ્યું હતું કે ચોપાટી પર રૂ. 1 કરોડના ખર્ચે ફુડ ઝોન બનાવવામાં આવશે અને ખાણીપીણીની 140 રેકડીઓ ઉભી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. શ્રીફળ વધારી ખાતર્મુહત કરાયું હતું તેમજ એમ્બ્યુલન્સની ચાવી આપી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, પાલિકા પ્રમુખ સરજુ કારિયા, કિરીટભાઈ મોઢવાડીયા, પંકજ મજીઠીયા સહિતના ભાજપના આગેવાનો સહિત ચીફ ઓફિસર સહિતના કુલ 25 થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરનામાના ભંગ બદલ સામાન્ય માણસો પાસે દંડ સહિતની કાર્યવાહી, નેતાઓ સામે કાર્યવાહી કરાશે ?

પોરબંદર દિવ્યભાસ્કર દ્વારા સાંસદ, જિલ્લા કલેકટર, પોરબંદરના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ, એસપીને જાહેરનામાના ભંગ બાબતે પ્રશ્નો પૂછવામાં આવ્યા

એમ્બ્યુલન્સ આપવી તે સારું કાર્ય કહેવાય : સાંસદ
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એકસાથે 25થી વધુ લોકો એકઠા થયા હતા જેના જવાબમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, એવું કાંઈ ન હતું, એમ્બ્યુલન્સ સારા કામ માટે આપી છે. ખાલી જેસીબી રાખી અને શ્રીફળ વધાર્યું હતું. સુવિધાની વાત છે. હું તો એમ્બ્યુલન્સ આપવા આવ્યો હતો. પાલિકાના બે ચાર હોદેદારો તો હોય ને, મને રાજકારણમાં રસ નથી, સેવાના કામ કરૂં છું.

મહામારીમાં માણસો મરે છે, ભાજપ તમાશો કરે છે
પોરબંદરના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા ને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દેશ કોરોના મહામારી માંથી પસાર થઈ રહ્યો છે, સદી બાદ આવી આફત આવી છે, માણસો મરી રહ્યા છે, હોસ્પિટલમાં બેડ નથી, ઓક્સિજન, વેન્ટિલેટર, બાયપેપ મશીન નથી, ડોકટરોની ઘટ છે. તંત્ર મુશ્કેલી અનુભવે છે. દેશ શોકમાં છે ત્યારે ભાજપના આગેવાન તમાશો કરે છે. દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે તેને કોઈ રોકવા વાળું નથી.

આ બાબતે ચેક કરાવડાવી લઉં છું : જિલ્લા કલેકટર
પોરબંદરના ચોપાટી પર ગઈકાલે ફૂડઝોન બનાવવા ખાતમુહૂર્ત અને એમ્બ્યુલન્સ લોકાર્પણ વખતે સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત 25 થી વધુ આગેવાનો એકઠા થયા હતા શું જાહેરનામા ભંગ બાબતે આ લોકો સામે ગુન્હો દાખલ થશે ? તેવો પ્રશ્ન જિલ્લા કલેકટર ડી.એન. મોદીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મને આ બાબતનો ખ્યાલ નથી. ચેક કરાવડાવીને કહી શકું. ચેક કરાવડાવ્યા વગર કોઈ કોમેન્ટ આપવાનો મતલબ નથી. તમે કહોછો તે વેરીફાઈ કરાવડાવીશ પછી આગળની વાત થાય.

જવાબ આપવા તૈયાર ન થયા પોરબંદરના એસપી
ચોપાટી ખાતેના એમ્બ્યુલન્સ લોકાર્પણ અને ફૂડઝોન અંગેના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 25થી વધુ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેથી પોલીસ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાર્યવાહી કરશે કે કેમ તે અંગે એસપી ડો. રવિ મોહન સૈની સાથે વાત કરવા કોલ કર્યો હતો. પરંતુ કોલ કટ કરી ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો કે' Can't talk now. What's up? જેથી સોશિયલ મીડિયાના તેમના નમ્બર પર મેસેજ કરી પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ આ મેસેજ વાંચી લીધા બાદ કોઈ રીપ્લાય ન આવતા ફરી ફોન કર્યો હતો પરંતુ એસપીએ ફોન ઉપાડ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...