અકસ્માતનો ભય:પોરબંદરના વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ, અંધારપટ્ટના કારણે શહેરીજનોમાં ભય

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક સોસાયટી અને રોડ પર સ્ટ્રીટલાઈટનો પણ અભાવ, અકસ્માતનો ભય

પોરબંદરમાં અનેક વિસ્તારોમાં નવી સ્ટ્રીટલાઇટો અને હાઈમસ ટાવરની જરૂરિયાત છે તો અમુક વિસ્તારમાં જૂની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. અમુક જગ્યાએ નવી સ્ટ્રીટલાઇટો અને હાઈમસ ટાવર થોડા જ સમયમાં લબુક-ઝબુક થવા લાગે છે. તો અમુક સ્ટ્રીટ લાઈટો થોડા સમયમાં જ બંધ થઈ જાય છે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી વધુમાં જણાવ્યું હતુંકે, જ્યુબેલી પુલથી રોકડીયા હનુમાન મંદિર રોડ, જ્યુબેલી પુલ પરથી બોખીરા બસ સ્ટેશન તરફ જતા રોડ પર નવી સ્ટ્રીટલાઇટો અને હાઈમસ ટાવરની જરૂરિયાત છે.

જ્યુબેલી પુલ, ઓવરબ્રિજ, પોલીટેકનિક પાછળ આવેલી સોસાયટીઓ, રોકડિયા હનુમાન પાછળ આવેલી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળે છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારપટના કારણે અકસ્માત થવાની સંભાવના વધી છે. અહી આવેલી સોસાયટીના લોકોને રાત્રે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી બાજુ કરોડોના ખર્ચે ઓવરબ્રીજ પર લગાવેલી લાઈટો બંધ છે. બોખીરા, જયુબેલી, ખાપટ અને તુંબડા સહિતના વિસ્તારમાં સ્ટ્રીટલાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે.

આથી પાલિકા તંત્ર દ્વારા સર્વે કરી અને જે સ્થળે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે ત્યાં નવી સ્ટ્રીટલાઇટ ફીટ કરવામાં આવે તેમજ જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને રિપેર કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને જો સમય સર લાઈટોનું રીપેરકામ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી કોંગ્રેસ દ્વારા ચમકી આપવામાં આવી છે.

બિલ્ડરની જવાબદારી રહે છે
પાલિકા વિસ્તારમાં 15 હજાર સ્ટ્રીટલાઇટ આવેલ છે. 9 હાઇમસ ટાવર છે. હાલ 250 જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ઓનલાઇન ફરિયાદ છે. તે ફરિયાદનો નિકાલ ચાલુ છે. મોડી રાત્ર સુધી કામગીરી કરવામાં આવે છે. ચોમાસા દરમ્યાન 400 જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હતી. ચોમાસામાં વરસાદ વચ્ચે રિપેર કામ શક્ય ન હતું જેથી પેન્ડિંગ ફરિયાદ રહી હતી. ખાનગી સોસાયટીઓ મા આંતિરીક રસ્તામાં સુવિધા પૂરી પાડવા બિલ્ડર ની જવાબદારી રહે છે. - મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...