સહાયમાં વધારો:રાજ્ય બિનઅનામત વર્ગની યોજનાની સહાયમાં વધારો કરાશે : હંસરાજ ગજેરા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાએ બિન અનામત વર્ગોના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પરિસંવાદ યોજી, રાજ્ય સરકારની જુદી-જુદી કલ્યાણ કારી યોજનાઓની માહિતી આપવાની સાથે બિન અનામત વર્ગોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર વિમર્શ કર્યો હતો. કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન પોરબંદર ખાતે યોજાયેલ પરિસંવાદમાં ગજેરાએ જણાવ્યુ કે, રાજ્યના બિન અનામત વર્ગની વિવિધ યોજનાઓની સહાયમાં વધારો કરવામાં આવશે.

આ માટે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સુધારા કરવા માટે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગના આયોગ દ્રારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે બિન અનામત વર્ગની સ્પષ્ટતા કરતા કહ્યુ કે, સામાન્ય રીતે રાજ્યના અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં જેમનો સમાવેશ નથી થતો તે સિવાયનાં તમામને બિન અનામત વર્ગોમાં આવરી લેવામાં આવ્યા છે.રાજ્ય સરકારે આ બિનઅનામત વર્ગોના ઉત્થાન માટે રૂ. 500 કરોડ જેટલુ બજેટ ફાળવ્યુ છે.

રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાભ મળે તે માટે મોટાભાગની મર્યાદાઓ દૂર કરીને માત્ર 8 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા તમામ લોકોને અનામત હેઠળ આવરી લીધા છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગનાં ઉત્થાન માટે શૈક્ષણિક અને વ્યવસાયિક હેતુ માટે અનેક યોજનાઓનો અમલમાં મુકી છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...