ગાંધીનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિર્મિતે પોરબંદરના ઘટક 2 રતનપર ગામ આવેલ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગરને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રતનપર આંગણવાડી કેન્દ્રના વર્કર ઓડેદરા શાંતીબેનને રૂ. 51 હજારની ધનરાશી તથા રાજ્ય કક્ષાનો માતા યશોદા પુરસ્કાર અને આંગણવાડી કેન્દ્રના તેડાગર ઓડેદરા મનિષાબહેનને રૂ.32 હજાર ધનરાશિ તથા રાજ્યકક્ષાનો માતા યશોદા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૫ માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય મહિલા સંમેલન યોજાયું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રતનપર આંગણવાડી કેન્દ્રના બહેનોએ આંગણવાડીમાં આરોગ્ય અને પોષણ, એસ.એ.જી અને પૂર્ણા યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી, લોક ભાગીદારી અને આંગણવાડીનું એકંદર વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આંગણવાડીની બહેનોને આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા, સીડીપીઓ દર્શનાબેન સોલંકી તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.