માંગણી:સિવીલ હોસ્પિટલમાં કેન્સર વિભાગ શરૂ કરો, કેન્સરના દર્દીઓને ફરજિયાત બહારગામના ધક્કા ખાવા પડે છે, રજુઆત કરવામાં આવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્સરની દવાનો જથ્થો નથી

3 વર્ષ થવા છતાં હજુસુધી સિવિલ હોસ્પિટલમાં કેન્સર વોર્ડ ખોલવામાં આવ્યો નથી. સરકાર દ્વારા કેન્સરની દવા ઉપલબ્ધ કરાઈ નથી જેથી પોરબંદર જિલ્લાના કેન્સર પીડિત દર્દીઓને અન્ય જિલ્લામાં ધક્કા ખાવા પડી રહ્યા છે આથી અહીં સુવિધા વધારવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.પોરબંદર જિલ્લામાં અનેક દર્દીઓ કેન્સરના રોગનો ભોગ બની પીડાઈ રહ્યા છે. કેન્સરના દર્દીઓ માટે સરકારે દરેક જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં કેન્સર વિભાગ ખોલવામાં આવે તથા કેન્સર પીડિતોની સારવાર થઈ શકે તેવું જાહેર કરી આજથી 3 વર્ષ પહેલા ઉજજેન ખાતે તાલીમ આપવામાં આવી હતી.

સરકારી ભાવસિંહજી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કૃષ્ણકાંત વ્યાસ અને નર્સ સ્ટાફ કેન્સરની સારવાર અંગેની તાલીમ લેવા ઉજજેન ગયા હતા. 3 વર્ષ બાદ પણ સરકારી હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગ નથી. કેન્સરના દર્દીઓ માટે હાલ દવાનો જથ્થો ઉપલબ્ધ કરાયો નથી. જેને કારણે અનેક કેન્સરના દર્દીઓ ફરજિયાત રાજકોટ, અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. હોસ્પિટલમાં કેન્સરનો વિભાગ નથી. જેથી અન્ય વિભાગમાં સારવાર આપવામાં આવે છે.

કેન્સરના દર્દી અન્ય જિલ્લામાં કિમો થેરાપી લઈને આવ્યા હોય અને આવા દર્દીને આડ અસર થાય જેવીકે, નબળાઈ, ઇન્ફેક્શન, ઝાડા ઉલટી જેવી આડ અસર થાય અથવા ડ્રેસિંગ કરવાનું થાય તો આવા કેન્સર પીડિત દર્દીની અહીં સારવાર અને રૂટિન ચેક અપ થાય છે. કેન્સર અંગેની કોઈ દવાનો જથ્થો હાલ સરકારે ફાળવ્યો નથી જો દર્દી બહારથી દવા ઇન્જેક્શન લાવે તો અહીં સારવાર કરવામાં આવે છે.

આ કિમો થેરાપીની દવા ખાનગી ક્ષેત્રે રૂ. 2000 થી માંડીને 25,000 સુધીની થાય છે. તેમજ કિમો થેરાપી બાદ અમુક કિસ્સામાં ઇન્જેક્શનો લેવાના થાય છે. આ ઇન્જેક્શન રૂ.1000થી રૂ. 2000 સુધીના થાય છે. આથી સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગ શરૂ કરવામાં આવે તેમજ કેન્સરની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઈ સવજાણીએ આરોગ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...