ચાલુ માસના અંતમાં પોરબંદર જીલ્લામાં વિશ્વવિખ્યાત માધવપુરનો આગામી 30 મી માર્ચથી મેળો યોજાનાર છે. આ મેળામાં એસટી વિભાગ દ્વારા અલગ અલગ 5 જિલ્લામાંથી 400 બસો દોડાવવામાં આવશે. હાલમાં જ માધવપુરના મેળાને વિશ્વફલક પર લઈ જવાનું નકકી કરાયું છે. આ પ્રાચીનમેળામાં દેશ-વિદેશથી અસંખ્ય લોકો આવે છે. ત્યારે ચાલુ માસના અંતમાં એટલે કે આગામી તા.30 થી ચાર દિવસ માટેનો માધવપુરનો વિશ્વવિખ્યાત મેળો યોજાનાર છે. આ મેળા માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
આ અંગેની એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર તા.30 થી ચાર દિવસ માટે જુદા જુદા પાંચ જીલ્લામાંથી માધવપુરના મેળા માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એસટી નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, જુનાગઢ અને દ્વારકા જીલ્લામાંથી કુલ 400 જેટલી એકસ્ટ્રા બસો માધવપુરના મેળા માટે દોડાવવામાં આવશે.
વધુમાં એસટી નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લામાંથી 100, ગીર-સોમનાથ જીલ્લામાંથી 70, રાજકોટ જીલ્લામાંથી 70, જુનાગઢ જિલ્લામાંથી 60 અને દ્વારકા જીલ્લામાંથી 100 એકસ્ટ્રા બસો માધવપુરના મેળા માટે દોડાવવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.