આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સિટીઝન મહિલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાસ જેલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ સ્પર્ધામાં 60 વર્ષથી વધુ ઉંમરની 140થી વધુ મહિલાઓએ રસ્સા ખેંચ, દોડ, ગોળા ફેંક અને ચેસ તેમજ યોગાસન સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યુવા ખેલાડીઓ માટે અવાર-નવાર વિવિધ પ્રકારની રમતોનું આયોજન થતુ હોય છે, પરંતુ સિનિયર સિટીઝન માટેના આ અનોખા આયોજન અંગે પોરબંદરના જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ થનાર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા પાછળના ઉદેશ્ય અંગે તેઓએ જણાવ્યું હતું કે, સિનીયર સિટીઝન મહિલાઓ ગૃહસ્થ જીવનમાંથી બહાર આવી મેદાન સુધી પહોંચે અને પોતાના અને પરિવારના સ્વાસ્થયની જાગૃતિ અંગે સહકાર આપે તેવો ઉદેશ્ય છે.
પોરબંદર ખાતે આયોજિત આ અનોખી સ્પર્ધામાં 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જે ઉત્સાહ સાથે રસ્સા ખેંચ, ગોળા ફેંક તેમજ દોડ સહિતની રમતો રમતી જોવા મળી હતી. તે દ્રશ્યો સાચેજ સૌ આજના યુવાઓ માટે તો એક પ્રેરણા સમાન છે. કારણ કે, રાણાકંડોરણા ગામેથી 60 વર્ષથી વધુની ઉંમરની 6 મહિલાઓએ 100 મીટર સહિતની દોડમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. આજના આધુનિક મોબાઈલ અને ઈન્ટરનેટના સમયમાં યુવાઓ પણ રમતના મેદાનની બદલે દિવસભર મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે 100 મીટરની દોડમાં જે વિજેતા બન્યા હતા તે હેમીબેન કરંગીયા જેઓની ઉંમર 69 વર્ષ છે અને જે રીતે તેઓએ આ સ્પર્ધામાં દોડ મુકી વિજેતા બન્યા છે. તે જોઈ ત્યાં ઉપસ્થિત યુવાઓ પણ તેમને જોતા રહ્યા હતા. તો 70 વર્ષીય ભીનીબેન ઓડેદરા સહિતની તેમની સમકક્ષ ઉંમરની મહિલાઓની ટીમ રસ્સા ખેંચમાં વિજેતા બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.