પોરબંદરમાં મેઘરાજાનો વિરામ:સોરઠી સિંચાઇ યોજના 80% ભરાતા વધુ 4 ગામ સાવચેત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહિવત વરસાદ નોંધાયો: અત્યાસ સુધીમાં મોસમનો કુલ વરસાદ 309 મીમી

સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વરસી રહેલા ભારે વરસાદને લીધે ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીની આવક પોરબંદર જીલ્લામાં થતા પરમ દિવસે જીલ્લાના ભાદર કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરાયા બાદ ગઇકાલે પોરબંદર તાલુકાના વધુ ચાર ગામોને સાવચેત કરાયા હતા, તો આજે વધુ ચાર ગામોને સાવચેત કરાયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 600 લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરાયું છે. તો બીજી તરફ પોરબંદર પંથકમાં થોડા દિવસોથી અવિરત વરસી રહેલા મેઘરાજાએ ગઇકાલે અને આજે વિરામ લીધો છે.

અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભાદર ડેમ 90% જેટલો ભરાઇ જતા પરમ દિવસે પોરબંદર જીલ્લાના ભાદર કાંઠાના ગામોને સંભવિત પૂરગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને લઇ સાવચેત કરાયા હતા જેમાં માંડવા, થેપડા, કાંસાબડ, કુતિયાણા, ચુનારવાડ, ભડ અને લુશાળા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના અડવાણા ગામ પાસે આવેલો સોરઠી ડેમ 70% જેટલો ભરાઇ જતા આ ડેમના હેઠવાસમાં આવતા પોરબંદર તાલુકાના અડવાણા, ભેટકડી, સોઢાણા અને મીયાણી ગામને સાવચેત કરયા હતા, જ્યારે કે આજે આ ડેમ વધુ 10% ભરાઇ જતા પોરબંદર તાલુકાના વધુ ચાર ગામો જેવા કે ભેટકડી, ફટાણા, શિંગડા અને શીશલીને સાવચેત કરવામાં આવ્યા છે.

આ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. સોરઠી ડેમની સપાટી 95.5 મીટર છે જેમાં હાલ 94.61 મીટર સુધીનું પાણી ભરાઇ ગયું છે. આખા ડેમમાં 374.69 કયુસેક છે. જયારે કે પોરબંદર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વરસેલા વરસાદે ગઇકાલથી લગભગ વિરામ લઇ લેતા આજે પંથકમાં સૂર્યનારાયણે પણ દર્શન દીધા હતા.

ગઇકાલે સાંજના 6 વાગ્યાથી આજે સાંજના 6 વાગ્યા સુધીમાં પોરબંદર તાલુકામાં 1 મીમી, કુતિયાણા તાલુકામાં 5 મીમી અને રાણાવાવ તાલુકામાં બીલકુલ વરસાદ નોંધાયો નથી. આ ઉપરાંત જીલ્લાના ઘેડ અને બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ કોઇ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળતા નથી. આ સાથે મોસમનો કુલ વરસાદ પોરબંદરમાં 309 મીમી(43.40%), રાણાવાવ તાલુકામાં 510 મીમી (65.45%) અને કુતિયાણામાં 492 મીમી(62.60%) નોંધાયો છે.

ભાદર રોડ અને બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભાદર-૧ માં પાણીની આવક થતા તેમાંથી છોડવામાં આવતુ પાણી પોરબંદર જીલ્લાના જુના ભાદર રોડ ઉપર આવી રહ્યુ હોય, આ રોડ પર અચાનક પાણી ફરી વળે તેવા સંજોગોને જોતા ઘેડના દરેક રોડ ઉપર આવેલા પૂલો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પૂલ પરથી અવર-જવર કરતા વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...