કૃષિ:અત્યાર સુધીમાં 3,12,039 ગુણી ચણાની ખરીદી કરાઇ, ખેડૂત દીઠ 125 મણ ચણાની ખરીદી કરાઇ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે સારા વરસાદને લીધે ચણાનો મબલખ પાક ઉતર્યો હતો. પોરબંદર જિલ્લામાં સરકાર દ્વારા 1 લી માર્ચથી ચણાની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 80 કરોડ કરતાં પણ વધુ ચણાની ખરીદી કરવામાં આવી છે. સરકાર દ્વારા ગત વર્ષે 1 ખેડૂત પાસેથી 50 મણ ચણાની ખરીદી થતી હતી જે આ વર્ષે વધારીને 125 મણ કરાતા પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ચણા ની ખરીદી થઇ રહી છે. ઘેડ પંથકમાં દર વર્ષે ચણાની મોટા પાયે વાવેતર થાય છે.

પોરબંદર જિલ્લામાં આ વર્ષે સરકાર દ્વારા ખેડૂત 125 મણ ચણાની ખરીદી કરવાની સુચના આપેલ હોય પોરબંદરના માર્કેટિંગ યાર્ડ અને કુતિયાણામાં નિયત કરેલા સ્થળે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. પોરબંદર અને રાણાવાવ તાલુકામાં 6700 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે કુતિયાણા તાલુકામાં 4000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લામાં 1 લી માર્ચથી અત્યાર સુધીમાં ચણાની ખરીદી પર નજર કરીએ તો 5 મી મે સુધીમાં પોરબંદર રાણાવાવના મળીને 1,59,561 ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે જેની અંદાજે કિંમત 41 કરોડ જેવી થાય છે અને કુતિયાણા સેન્ટર પર 1,52,478 ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે જેની અંદાજે કિંમત 39 કરોડથી પણ વધુ થાય છે. આમ પોરબંદર જિલ્લામાં અંદાજે 80 કરોડથી વધુ ચણાની ખરીદી કરવામાં આવી છે અને હજુ પણ ચણાની ખરીદી ચાલુ જ છે. આમ ચાલુ વર્ષે ચણાની મલક ખરીદીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...