બોર્ડ મારી સંતોષ:સિંહે જે વિસ્તારમાં ડેરો જમાવ્યો હતો તે વિસ્તારની બીટ મહિલા ગાર્ડને સોંપી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાયાના ચાડેશ્વર મંદિર નજીક વાડી વિસ્તારમાં સિંહે માલિકીના 2 પશુના મારણ કર્યા
  • રહેણાંક વિસ્તારમાં સિંહને અટકાવવાને બદલે તંત્રએ સાવચેતીના બોર્ડ મારી સંતોષ માની લીધો

આશ્ચર્યની વાત એ છેકે, પોરબંદરના પાદરમાં સિંહે જે વિસ્તારમાં ડેરા જમાવ્યા તે વિસ્તારની બીટ મહિલા ગાર્ડને સોંપી છે અને અનુભવી ચોકીદારને માધવપુરમાં ખસેડી દીધા છે. છાયાના ચાડેશ્વર મંદિર નજીક વાડી વિસ્તારમાં સિંહે માલિકીના 2 પશુના મારણ કર્યા છે ત્યારે રહેણાંક વિસ્તારમાં સિંહને અટકાવવાને બદલે તંત્રએ સાવચેતીના બોર્ડ મારી સંતોષ માની લીધો છે.

પોરબંદરના ઇન્દિરાનગર નજીકના હાઇવે થી રતનપર સીમ વિસ્તારમાં સિંહે મુકામ બનાવ્યો છે. આ વિસ્તારમાં સિંહ 20 વર્ષ બાદ ફરીથી દેખાયો છે અને ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહે ડેરો જમાવ્યો છે. આ વિસ્તાર સિંહ માટે અનુકૂળ છે અને આ વિસ્તારમાં જંગલ, દરિયાઈ પટ્ટી, પાણી તેમજ શિકાર મળી રહે છે, ત્યારે આ વિસ્તારમાં સિંહે વસવાટ શરૂ કરી દેતા વન વિભાગ તંત્ર દ્વારા સિંહને રેડિયો કોલર લગાવી સિંહનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

સિંહે ગઇકાલે રાત્રીના સમયે છાયા માં આવેલ ચાડેશ્વર મંદિર નજીક બટુકભાઇની વાડીમાં સિંહ ત્રાટક્યો હતો અને વાડીમાં બાંધેલ વાછરડું અને પાડાનું મારણ કર્યું હતું તેમજ અહી આવેલ ધોડાને સિંહે પંજો મારી દિધો હતો. માલિકીના પશુના મારણ થઈ રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા સિંહ જે વિસ્તારમાં મુકામ કરે છે તે ચોબારી બીટ મહિલા ફોરેસ્ટ ગાર્ડને સોંપવામાં આવી છે. અને અનુભવી ચોકીદારને માધવપુરમાં ખસેડી દેવામાં આવ્યા છે.

સ્થાનિક પશુ માલિકોએ જણાવ્યું હતુંકે, સિંહ આ રહેણાંક વિસ્તાર સુધી ઘુસી જાય છે અને માલિકીના પશુનું મારણ કરે છે ત્યારે રાત્રિના કોઈ સ્ટાફ દેખાતો નથી. ખરેખર તો સિંહને રેડિયો કોલર લગાવી દીધા બાદ વન વિભાગ તંત્રની ટીમ દ્વારા સિંહને ટ્રેક કરી વાડી વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં આવતો અટકાવી તંત્રએ જહેમત ઉઠાવવી જોઈએ તેને બદલે સિંહ વાડી વિસ્તાર સુધી પહોંચી જાય છે અને માલિકી પશુના મારણ કરે છે. ત્યારે વન વિભાગ ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં સિંહને આવતો અટકાવવાને બદલે તંત્ર દ્વારા હાઇવે પર બેરીકેટ મૂકી અને સાવચેતી અંગેના સાઈન બોર્ડ મૂકી તંત્રએ સંતોષ માની લીધો છે તેવું જણાવી વાડી વિસ્તારના સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.

અને વધુમાં જણાવ્યું હતુકે, સિંહ નું પોરબંદરના પાદરમાં આગમન થયું તે સારી વાત છે, સિંહને આ વિસ્તાર માફક આવ્યો છે. સિંહ રહેણાંક વિસ્તારમાં આવી જાય અને માલિકી પશુનું મારણ કરે તે અટકાવવા વન વિભાગ ટીમ દ્વારા સિંહના રેડિયો કોલર પરથી લોકેશન ટ્રેસ કરી સિંહને વાડી વિસ્તારમાં આવતો અટકાવવા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

પશુ માલિકોને રાત્રિના જાગરણ કરવાનો વારો આવ્યો
સિંહે જે વિસ્તારમાં ડેરો જમાવ્યો છે તે વિસ્તારની ચોબારી બીટ મહિલા ફોરેસ્ટ ગાર્ડ ને આપી છે. સિંહે કરેલ મારણ અંગેના સર્વે કરવા મહિલા સવારે આવે છે. રાત્રિના સમયે કોઈ જવાબ આપતું નથી. મહિલા ગાર્ડ આવે છે પરંતુ રાત્રિના સમયે અન્ય કોઈ પુરુષ સ્ટાફ દેખાતો નથી. સિંહ વાડી વિસ્તારમાં આવી માલિકી પશુના મારણ કર્યા છે ત્યારે વાડી વિસ્તારના સ્થાનિકોએ રાત્રિ જાગરણ કર્યું હતું અને આગામી રાત્રે પણ સિંહ આવીને માલિકી પશુનું મારણ કરશે તેવા ડરથી સ્થાનિકોને રાત્રિ જાગરણ કરવાનો વારો આવ્યો છે તેવુ અહિના વાડી વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું.

ટ્રેકર સહિત અનુભવી સ્ટાફ મૂકવા માંગ
સિંહના મુકામ વિસ્તારની ચોબારી બીટ મહિલા ફોરેસ્ટ ગાર્ડ ને બદલે કોઈ અન્ય બાહોશ પુરુષ ગાર્ડને સોંપવામાં આવે અને અનુભવી ચોકીદાર તેમજ સ્ટાફ આ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી વાડી વિસ્તારના સ્થાનિકોએ માંગ કરી છે.

3 સિંહ જોયા નો સ્થાનિકોનો દાવો : તંત્રનો નનૈયો
આ વાડી વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહ આવ્યા બાદ તેને આ વિસ્તાર માફક આવતા સિંહ પોતાના પરિવારને સાથે લાવતો હોય છે અહી 3 સિંહ જોયાનો સ્થાનિકોએ દાવો કર્યો છે ત્યારે વન વિભાગના તંત્રએ એક જ સિંહ હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છેકે, સિંહ આવ્યો ત્યારે વન વિભાગ તંત્રએ નનૈયો ભર્યો હતો. સિંહે મારણ કર્યા બાદ ભક્ષણ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો ત્યારે તંત્રએ આ વીડિયો પોરબંદરનો છેકે નહિ તેમ કહી નનૈયો ભર્યો હતો અને સિંહને રેડિયો કોલર લગાવી દેવામાં આવ્યા બાદ પણ વન વિભાગ તંત્રએ શરૂઆતમાં નનૈયો ભર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...