કેદ:ડૈયર ગામે જમીનના મનદુ:ખમાં હુમલો કરનાર ત્રણ શખ્સને 2 વર્ષની સાદી કેદ

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 શખ્સોમાંથી 9 નો નિર્દોષ છુટકારો થયો : કસુરવારને રૂા. 1 હજારનો દંડ ફટકાર્યો

રાણાવાવ તાલુકાના ડૈયર ગામે આવેલી વાડીની 1997 માં હરાજી થઈ હતી અને આ ખરીદીમાં થયેલા મનદુ:ખના કારણે 12 જેટલા શખ્સોએ આ વાડીની ખરીદ કરનાર પર લાકડી વડે હુમલો કર્યો હતો જે અંગે પોલીસમાં ફરિયાદ કરાતા આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 12 માંથી 3 શખ્સોને કોર્ટે કસુરવાર ઠેરવ્યા હતા અને બાકીના 9 શખ્સોને છુટકારો થયો હતો. દોષિત આરોપીઓને 2 વર્ષની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાવાવ તાલુકાના ડૈયર ગામના રબારી ગાંગા કરસન રાડાની જમીનની ગત તા. 26-3-1996 ના રોજ તંત્ર દ્વારા જાહેર હરાજી યોજવામાં આવી હતી.

આ હરાજીમાં સર્વે નંબર 121 વાળી જમીન અરજણ વાલજીભાઈ કુકડીયા એ ખરીદ કરેલ હતી અને આ જમીનના મામલે મનદુઃખ થયું હતું અને આ બાબતે અરજણ કુકડીયા એ અદાલતમાં અરજી કરી મનાઈ હુકમની માંગણી કરતા અદાલતે તે સમયે તા. 2-4-1997 સુધી જમીનમાં પ્રવેશ કરવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો. આમ છતાં રબારી ગાંગા કરશન રાડા, કાના ગાંગા રાડા, લાખા ભીમા રાડા, ગોગન લાખા રાડા, રામા નાથા કાનગડ, કરણ ઉર્ફે નાથા કાનગડ, બટુક નાથા કાનગડ, બાવન નાથા કાનગડ, ભીખન રાણા કાનગડ, રાંભીબેન ગાંગા રાડા, કડવીબેન ભીમા રાડાએ બળજબરીપૂર્વક ગેરકાયદેસર ખેતરમાં પ્રવેશ કરી લાકડીઓ વડે અરજણ કુકડીયા પર હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી.

આ અંગે અરજણભાઈએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ અંગેનો કેસ રાણાવાવની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલતમાં ચાલી જતા 25 વર્ષ બાદ આસી. પબ્લિક પ્રોસિકયુટર દ્વારા કરવામાં આવેલી દલીલો, સાહેદોની તપાસ, પંચના નિવેદનો સહિતના પુરાવાઓ રજૂ કરવાની સાથો સાથ હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જી. ટી. સોલંકીએ આરોપી બટુક નાથા કાનગડ, ભીખન રાણા કાનગડ અને રાંભીબેન ગાંગા કરશનને કસૂરવાર ઠેરવ્યા હતા અને 2 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 1000 નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...