તાઉતે વાવાઝોડા સામે જંગ:વેરાવળમાં 10, પોરબંદરમાં 8 નંબરનું સિગ્નલ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો માર્ગ પરથી દૂર કરાયા - Divya Bhaskar
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો માર્ગ પરથી દૂર કરાયા
  • ઊના, વેરાવળ, દીવમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો
  • ઊના, તાલાલા, માંગરોળ, દીવ સહિતના વિસ્તારમાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી
  • જૂનાગઢ અને ગિર- સોમનાથ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ પડયો
  • સોરઠમાં નિચાણવાળા વિસ્તારનાં 40,200થી વધુ લોકોનું સ્થળાંતર
  • પોરબંદર જિલ્લામાં કુલ 25142 લોકોનું સ્થળાંતર
  • ઊનાના નવા બંદરમાં બે બોટ ડૂબી, બે કાચા મકાન ધરાશાયી થયા

તાઉ તે વાવાઝોડુ ઊના અને દીવ વચ્ચેથી ક્રોસ થશે. સોરઠનાં દરિયાકિનારા નજીક વાવાઝોડુ પહોંચતા તેની ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સોમવારે દિવસ દરમિયાન ઊના, વેરાવળ અને દીવમાં 100 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ઊનાના નવા બંદરમાં બે બોટ ડુબી હતી. તેમજ બે કાચા મકાન ધરાશાયી થયા હતા.

અસરગ્રસ્ત વિસ્તારોમાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા તેમજ આજે સોમવારે પણ 40200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. ઠેર-ઠેર વરસાદ પડયો હતો. તાઉ તે વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાને ટકરાઇ તેવી સંભાવનાને પગલે પોરબંદરના બંદર પર વાવાઝોડાનો ભય સૂચવતું 8 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કુલ 25152 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. અરબી સમુદ્રમાં સર્જયેલું ગંભીર વાવાઝોડું તાઉ તે ગુજરાતના સાગર કાંઠા તરફ નજીક આવી રહ્યું હોવાથી પોરબંદરના બંદર પર ભય સૂચવતું 8 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ 8 નંબરનું સિગ્નલ દર્શાવે છે કે (મહાભય) ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થાય.

પોરબંદરમાં રાત્રી સાડા 9 કલાકે પોરબંદરમાં હવાની સ્પીડ પ્રતિકલાક 36 કિમી, સાંજ 6 અરસામાં 3 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. વાતાવરણ એટલું શાંત હતુ કે,રાત્રે 9: 30 કલાકે 6 કિમીની વિસીબીલીટી હતી.

વાવાઝોડાની સંભાવનાને લઈને દરિયા કિનારાની નજીક રહેતા કાચા અને ભયજનક મકાનોમાં રહેતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પોરબંદર શહેરના 13000, પોરબંદર ગ્રામ્ય વિસ્તારના 5642, રાણાવાવ તાલુકાના 2300, કુતિયાણા તાલુકાના 4200 મળીને જિલ્લામાં કુલ 25142 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

NDRF ની 2 ટીમ અને SDRF ની ટીમે રાહત અને બચાવની તમામ કામગીરીની તૈયારી પૂરી કરી જિલ્લામાં સંભવિત વિપદા સામે મોરચો સાંભળી લીધો છે. કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રના કોઈપણ જોખમની પરિસ્થિતી થાય તો તેની સામે પગલાં લેવા માટે તમામ એક્શન પ્લાન કાર્યરત કરી દીધા છે. વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

વાવાઝોડાની આગાહીને પગલે કોંગ્રેસ દ્વારા રેસ્ક્યુ ટીમની રચના કરાઈ
વાવાઝોડા દરમિયાન થતા નુકશાનથી બચાવ માટે પૂર્વ તૈયારી રૂપે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા એક રેસ્ક્યુ ટીમ ની રચના કરવામાં આવી છે.આ માટે જનરેટર અને એમ્બ્યુલન્સ પણ સાથે રાખવામાં આવશે. જ્યાં પણ વૃક્ષો પડી ગયા હશે ત્યાં રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને હટાવામાં આવશે. જો ક્યાય પણ જાનહાની થશે તો એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક દર્દી ને સારવાર અર્થે ખાસેડવામાં આવશે, જરૂરિયાત મંદ લોકો ને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

શેલ્ટર હાઉસમાં લોકોએ રાત વિતાવી
પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોના 258 વ્યક્તિઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવાયેલા એમ.ડી સાયન્સ કોલેજ ખાતે ના શેલ્ટર હાઉસ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત થયેલા લોકોમાં બાળકો પણ છે. આશ્રય સ્થાન પર બાળકો બાળકો આરામ થી સુઈ શકે તે માટે પાકા મકાનમાં પૂરતા પંખા, સુવા માટે બેડ, ચા-પાણી નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મધરાતે અધિકારીઓએ શેલ્ટર હોમની મુલાકાત લીધી
ગત મધરાતે પોરબંદરના અધિકારીઓએ શેલ્ટર હાઉસની મુલાકાત લઇ લોકોને વિવિધ સુવિધા માટે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. પોરબંદરમાં વાવાઝીડાની સંભાવના નેલીધે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શહેરના શેલટર હાઉસમાં ખસેડાયા છે, આવા 29 શેલ્ટર હાઉસમાં લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા એલર્ટ કરાયા
વેરાવળમાં તાઉતે વાવાઝોડું ત્રાટકવાની દહેશતને લઇ તંત્ર સાબદું થઇ ગયું છે અને બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દીધું છે. જ્યારે વ્હેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હોય નિચાણવાળા અને ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. આ સાથે કાચા મકાનો અને દરિયાઇ વિસ્તાર નજીક રહેતા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે જેથી કોઇ જાનહાનિ થવા ન પામે.

અન્ય સમાચારો પણ છે...