તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમુલ્ય ધાર્મિક વારસો:ઝાડી ઝાંખરા ભર્યો માર્ગ, ચાડેશ્વર મંદિરે જવું મુશ્કેલ, મંદિર ગુજરાત પુરાતત્વ વિભાગ હસ્તકનું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવમી સદીમાં બનેલું ખરાબ રસ્તાને લીધે વિસરાઇ રહ્યું છે

ગુજરાતના સાગરકિનારે વસેલા પોરબંદર શહેરના જોડિયા શહેર છાયામાં સ્થિત 9 મી સદીમાં બનેલું પૌરાણિક ચાડેશ્વર મહાદેવનું મંદિર ઘોર ઉપેક્ષાને લીધે વિસરાય રહ્યું છે. ભક્તો શ્રધ્ધાના પ્રતીકસમું આ મંદિર ઝાડી ઝાંખર વાળા રસ્તા વચ્ચે ઘેરાઈ જવાથી આજે ભક્તોને આ મંદિર સુધી પહોચુવું પણ મુશ્કેલ બન્યું છે. તેમ છતાં શ્રાવણ મહિનામાં ઘણા ભકતો આ પૌરાણિક મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. નવમી સદીમાં બનેલું પોરબંદરના છાંયામાં આવેલું ચાડેશ્વર મહાદેવનું મંદિર મંત્રકકાળ પછીના સ્થાપત્યનો ઉત્કૃષ્ઠ નમુનો છે. સાદી રચના અને તેના વક્રીય શિખરને લીધે ગુજરાતના મંદિર સ્થાપત્યના વિકાસમાં તેનું સ્થાન છે.

તેવું આ ગુજરાત પુરાતત્વ વિભાગ હસ્તકનું ચાડેશ્વર મંદિર એક જમાનામાં ભક્તોની શ્રધ્ધાના કેન્દ્ર સમું હતું. આ મંદિરના ગર્ભગૃહના બારસાખ પર લાગેલા અલંકાર અને ખૂણા ઉપર લાગેલ કીચક સ્તંભના વ્યલ્મુખ આ મંદિરની શોભામાં વધારો કરે છે તેમ આ મંદિરની પાંચ પેઢીથી સેવા કરતા પુજારી પરિવાર જણાવે છે. છાયા શહેરથી પથ્થરની ખાણોના માર્ગે ઓડદર ગામ તરફ જતા રસ્તે 3 કી.મી. ના રસ્તે આવેલું રાજાશાહીના વખતનું આ ચાડેશ્વર મંદિર આ ચોતરફ ઝાડી-ઝાખરાથી ઘેરાઈ ગયું છે.

ભક્તોમાં અતિ શ્રધ્ધા ધરાવતું આ ચાડેશ્વર મંદિર ઝાડી ઝાંખરા જંગલ વચ્ચે ઘેરાઈ જવાને લીધે ભક્તો આજે આ મંદિર સુધી પહોચી શકતા નથી. તેમ છતાં આ મંદિરમાં આસ્થા ધરાવતા પ્રબુદ્ધ ભક્તો વિકટ રસ્તાનો સામનો કરીને પણ આ મંદિર સુધી પહોચે છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષ 2006 માં ચાડેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ તો કરાયો છે. પરંતુ આ મંદિર સુધી જતા વિકટ રસ્તાને દુરસ્ત કરવાનું કાર્ય સરકારને ગળે ઉતરતું ન હોવાને લીધે આ અમુલ્ય ધાર્મિક વારસો આજે વિસરાઈ રહ્યો છે.

2019 માં દાતાએ મંદિરનું રીનોવેશન કરાવ્યું હતું
આ મંદિરે જવાનો રસ્તો જેમ બિસ્માર થઇ ગયો છે તેવી જ રીતે આ પૌરાણિક મંદિર પણ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયું હતું. પરંતુ મંદિરની દુર્દશા જોઇ મુળ છાંયાના અને હાલ લંડનમાં રહેતા નાગાભાઇ કારાવદરાએ રૂ. 5 લાખનું અનુદાન આપી 2019 ના વર્ષમાં મહાશિવરાત્રીના સમયે મંદિરનું સમારકામ કરાવતા આ મંદિર પુન: ગરીમા યુકત બન્યું છે.

ગુજરાતમાં એક માત્ર હનુમાનજીની માતાનું મંદિર ચાડેશ્વર મંદિર પરીસરમાં છે
પોરબંદરના આ પૌરાણિક ચાડેશ્વર મહાદેવના મંદિર પરીસરમાં એક ચાડેશ્વરી વાવ આવેલી છે અને ત્યાં જ હનુમાનજીના માતા અંજની માતાનું મંદિર પણ આવેલું છે. સમગ્ર ગુજરાતમાં હનુમાનજીના માતા અંજની માતાનું મંદિર એક માત્ર અહીં જ આવેલું હોય આ મંદિર પર ચાડેશ્વર મહાદેવના મંદિરે આવતા ભકતોમાં અનોખા આકર્ષણનું કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...