સમસ્યાઓ:આવાસ યોજનાના મકાનોમાંથી પોપડા ખર્યા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોખીરા વિસ્તારનાં રહેવાસીઓને સફાઇ અને પાણી સહિતની વિવિધ સમસ્યાઓ
  • કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી, આજે પાલિકાને આવેદન પત્ર પાઠવવામાં આવશે

બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના મકાનો માંથી પોપડા ખર્યા હતા અને પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી હતી. આજે પાલિકાને આવેદન પાઠવાશે.પોરબંદરમાં બીએસયુપી યોજના હેઠળ બોખીરા વિસ્તારમા કેકે નગર વિસ્તારમાં રૂ. 81.25 કરોડના ખર્ચે 2448 મકાન બનાવ્યા છે.

ડ્રો સિસ્ટમથી લાભાર્થીઓને આવાસ ફાળવાયા છે. હજુ અનેક આવાસ ફાળવવાના બાકી છે. જે લાભાર્થીઓ આ આવાસમાં રહેવા ગયા છે તે રહેવાસીઓને સફાઈ, પાણી સહિતની સમસ્યા સર્જાતા તેઓએ કોંગ્રેસના આગેવાનોને જાણ કરતા કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ વિજય બાપોદરા સહિતની ટીમે આવાસની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોની સમસ્યા જાણી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્લેબ માંથી પોપડા ખરે છે જેથી અકસ્માતનો ભય છે. ચોથે માળેથી પાણી પડે છે. સીડીમાં રેલિંગ ફિટ કરેલ નથી જેથી બાળકો અને વૃદ્ધોને ચડવામાં મુશ્કેલી થાય છે.

પાણી અનિયમિત આવે છે. 1પાણીના ટાંકા વચ્ચે 4 પરિવારને પાણી પૂરું ન થાય જેથી વધુ પાણીના ટાંકા ની વ્યવસ્થા કરવી જોઈએ. કચરાપેટી માંથી કચરો સાફ થતો નથી જેથી ગંદકી ફેલાય છે અને મચ્છરોનો ત્રાસ જોવા મળે છે. પાર્કિંગ એરિયામાં લાઈટ નથી જેથી અંધારપટ્ટ છવાઈ જાય છે આવી વિવિધ સમસ્યાને લઈને રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આજે સોમવારે કોંગ્રેસ દ્વારા પાલિકા તંત્રને આવાસમાં રહેતી સમસ્યા અંગે આવેદન પાઠવવામાં આવશે. અને જો આ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ નહિ આવે તો સ્થાનિકો સાથે કોંગ્રેસ કાર્યકરો ધરણા કરશે તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...