પોરબંદર જિલ્લામાં પશુપાલન વિભાગમાં પશુ તબીબની 11 માંથી 7 જગ્યા ખાલી છે. પશુધન નિરીક્ષકની 4 જગ્યા ખાલી છે. કામગીરીમાં મુશ્કેલી અને કામનું ભારણ વધી ગયું છે જેથી તાકીદે જગ્યા ભરવી અનિવાર્ય છે.
પોરબંદર જિલ્લા પંચાયતના પશુ પાલન વિભાગ ખાતે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની 11 માંથી 7 જગ્યા ખાલી છે. જિલ્લામાં 11 પશુ દવાખાના છે જેમાંથી પશુ ચિકિત્સકની 7 જગ્યા ખાલી છે. પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર 7 છે. જેમાંથી પશુ ધન નિરીક્ષક વર્ગ 3 ની માત્ર 3 જગ્યા ભરેલી છે અને 4 જગ્યા ખાલી છે.
આ મહત્વની જગ્યાઓ છે. અહી પશુઓની સારવાર કરવામાં આવે છે. પશુઓને વેક્શીનેશન, સારવાર, બીજદાન સહિતની કામગીરી કરવાની હોય છે, આમછતાં સરકાર દ્વારા આ મહત્વની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉપરાંત સિનિયર ક્લાર્ક ની 1 જગ્યા અને જુનિયર ક્લાર્કની 1 જગ્યા પણ ખાલી છે.
અધિકારી અને કર્મીઓને કામનું ભારણ વધી જાય છે. જગ્યા ખાલી હોવાને કારણે પશુઓની સારવાર માટે, રસીકરણ માટેની કામગીરીમાં પણ અસર ઊભી થાય છે. અગાઉ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની 11 માંથી 6 જગ્યા ખાલી હતી બાદ વધુ 1 જગ્યા ખાલી થતા 7 જગ્યા ખાલી છે જેથી કામગીરી પર વધુ અસર પડે છે. ઉલ્લેખનીય છેકે, લમ્પી સ્કિન રોગ વકર્યો હતો ત્યારે તેની પણ કામગીરી ઘટતા સ્ટાફ વચ્ચે કરવામાં આવી હતી. જેથી કામનું ભારણ વધ્યું હતું અને હજુ પણ જગ્યા ભરવામાં ન આવતા કામગીરી ટલ્લે ચડી શકે છે. આથી આ જગ્યાઓ તાકીદે ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.
પશુ ચિકિત્સકની કેટલી જગ્યા ખાલી?
- પોરબંદર તાલુકાના ભડ, બગવદર, બળેજ, ફ્ટાણાના પશુ દવાખાનામાં જગ્યા ખાલી છે. જ્યારે રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા, બાપોદર ગામના પશુ દવાખાના ખાતે જગ્યા ખાલી છે અને કુતિયાણાના મહિયારી ગામે આવેલ પશુ દવાખાના ખાતે જગ્યા ખાલી છે.
- જિલ્લામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે પશુધન નિરીક્ષકની કડછ, ગોસા, સીમર અને બિલેશ્વર ખાતે જગ્યા ખાલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.