બગીચાનું નિર્માણ:રામગઢના સરપંચે 12 વિઘા ખરાબાની જમીન આંબાવાડી બનાવી દીધી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂવામાંથી બગીચા સુધી પાણી પહોંચાડવા 3500 ફૂટ લાંબી લાઈન બિછાવી

રાણાવાવના રામગઢ ગામના સરપંચે 12 વિઘા ખરાબાની જમીનમાં આંબાના ફળનો બગીચો બનાવ્યો છે. રૂ 4 લાખના સ્વખર્ચે આંબાના છોડ અને ડ્રીપની સુવિધા ઉપલબ્ધ કરી બગીચાનું નિર્માણ કર્યું છે. પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ રામગઢ ગામના સરપંચે ગામની પડતર ખરાબાની જમીનમાં બગીચો બનાવ્યો છે. સરપંચ નાથાભાઈ જેઠાભાઈ ઓડેદરાએ ગામતળમાં આવેલા ખરાબાની જમીન સુધારી છે, અને ખરાબાની જમીનમાં બગીચો બનાવવાનું આયોજન કર્યું હતું.

7 વર્ષ પહેલા તેઓએ રામગઢ ગામમાં ખરાબાની જમીન સુધારી જમીનને ફરતે ફેનસીંગ કર્યું હતું. જે સ્થળે બગીચો બનાવવાનો છે, ત્યાં પશુઓ બગીચાને નુકસાન ન પહોંચાડે તે માટે 12 વીઘા જમીનની ફરતે ફેન્સીંગની સુવિધા ઉપલબ્ધ કરી હતી. ત્યારબાદ બગીચો બનાવવાનું આયોજન કર્યું હતું. સરકારની યોજનાનો પણ તેઓએ લાભ લીધો છે. સાથોસાથ 4 લાખ રૂપિયાના ખર્ચે 400 જેટલા આંબાના છોડનું રોપણ કર્યું હતું, અને 3509 ફૂટ લાઈન બિછાવી આંબાના છોડને પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી.

હાલ રામગઢ ગામે ખરાબાની જમીનમાં બનાવેલા બગીચો તૈયાર થયો છે. અને આગામી વર્ષોમાં આંબાના ઝાડમાં ફળ આવવાની તૈયારી છે. ત્યારે ગામના સરપંચના આ ભગીરથ પ્રયાસથી ગ્રામજનો પણ પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. અને ગામના સરપંચની અનોખી પહેલને અન્ય ગામના લોકો પ્રેરણા લઇ રહ્યા છે, તેઓએ ખરાબા અને પડતર જમીનમાં આંબાના ઝાડનો બગીચો તૈયાર કર્યો છે, ત્યારે સ્થાનિક આગેવાનો પણ તેઓની મુલાકાત લઇ બગીચાને નિહાળી રહ્યા છે. હાલ આ બગીચો તૈયાર થયો છે ત્યારે ગ્રામજનો સરપંચને પૂરતો સહયોગ આપી ગામના વિકાસ માટે ખભેથી ખભો મિલાવી રહ્યા છે.

ગામતળમાં ખરાબાની પડતર જમીનમાં આંબાના છોડના બગીચાનું નિર્માણ કર્યું હતું, ત્યારે આંબાના છોડને ઉછેરવા માટે પાણીની જરૂરિયાત પડતી હતી. ખરબચડી જમીનમાં પાણી પહોંચાડવું મુશ્કેલ હતું. જેથી સરપંચે ગામને પીવાનું પાણી પુરું પાડતા કૂવામાંથી બગીચા સુધી પાણી પૂરું પાડવાનું કઠિન કાર્ય કર્યું છે. સરપંચે 3500 ફૂટ લાઈન બિછાવી ગામમાંથી બગીચા સુધી પાણી પૂરું પાડ્યું છે.

7 વર્ષની મહેનત અંતે રંગ લાવી
ગામના સરપંચને પડતર જમીનમાં બગીચો બનાવવાનો વિચાર સાત વર્ષ પહેલા આવ્યો હતો, અને તેઓએ બગીચાના નિર્માણ અંગે ગ્રામજનોને પોતાનો વિચાર રજૂ કર્યો હતો. ગ્રામજનોએ પૂરતો સહયોગ આપ્યો અને બગીચોના નિર્માણનું કાર્ય શરૂ કર્યો હતું. આમ 7 વર્ષ પહેલા કરેલ મહેનત અંતે રંગ લાવી છે.

ગામના સેવાભાવી અગ્રણીએ સતત દેખરેખ જાળવણી કરી છોડનો ઉછેર કર્યો
12 વિઘા જમીનમાં આંબાના છોડનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ ગામના સેવાભાવી અગ્રણી રમણભાઈ મેણદ ભાઈ ઓડેદરાએ નિયમિત રીતે પાણી આપવા, સફાઈ કાર્ય કરવા અને બગીચાના છોડનો ઉછેર માટે તમામ પ્રકારની કાળજી લઇ દેખરેખ રાખી જાળવણીથી હાલ આ બગીચો તૈયાર કર્યો છે.

ફળની આવકમાંથી ગામના વિકાસ માટે કયાં ફંડ વાપરવું તે કમિટી નક્કી કરશે
બગીચો બનાવ્યો ત્યારે 11 લોકોની કમિટી બનાવવામાં આવી છે, અને હાલ આ બગીચો તૈયાર થયો છે. આગામી સમયમાં ફળ આવશે, ત્યારે તેની આવકમાંથી ગામના વિકાસ માટે કયા કયા કાર્યો કરવા તે કમિટી નક્કી કરશે તેવું જણાવ્યું હતું.

2.50 લાખ રૂપિયા ડ્રીપ પદ્ધતિ અને પાઇપલાઇન પાછળ ખર્ચ્યા
આંબાના છોડને નિયમિત રીતે પાણી મળી રહે તે માટે સરપંચે ગામથી બગીચા સુધી પાઈપ લાઈન બિચાવી છે, ખરબચડી જમીન સુધી પાણી પહોંચે તે માટે ડ્રીપ પદ્ધતિથી પાણી પૂરું પાડવાનું આયોજન કર્યું છે, પાઈપ લાઈન તથા ડ્રીપ પદ્ધતિ પાછળ 2.50 લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...