તંત્ર દ્વારા ડ્રોન મારફત કામગીરી કરવામાં આવતા રોધડા ગામે રેતીનું ખનન સામે આવ્યું હતું જેથી ડમ્પર, ટ્રક અને લોડર સીઝ કર્યું છે જ્યારે અમર ગામેથી ઓવરલોડ રેતીના 2 ડમ્પર સીઝ કર્યા છે. રાણાવાવ નજીકથી રોયલ્ટી વગરની રેતી ભરેલ ડમ્પર ઝડપાયું છે. રૂ. 60 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ડ્રોન મારફત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા ભાદર નદીના પટ્ટ વિસ્તારમાં રોધડા ગામે ડ્રોન ઉડાડવામાં આવતા એક લોડર મશીન દ્વારા ડમ્પરમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન થતું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા લોડર, ડમ્પર તથા ટ્રકને સીઝ કરી કુતિયાણા પોલીસ મથકે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત કુતિયાણા તાલુકાના અમર ગામેથી GJ-11-Z-8014 ડમ્પરમા 5.72 મેટ્રિકટન ઓવરલોડ તથા GJ-06-ZZ-2647 ડમ્પરમા 8.56 મેટ્રિકટન ઓવરલોડ ભરેલ સાદી રેતી હોવાથી બન્ને ડમ્પરને સીઝ કરી કુતિયાણા પોલીસ મથકે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટથી પોરબંદર હાઇવે રાણાવાવ ગામ નજીક રોડ પરથી એક સાદી રેતી ભરેલ ડમ્પર રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા મળી આવતા તંત્ર દ્વારા ડમ્પર સીઝ કરી રાણાવાવ પોલીસ મથક ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. આમ અંદાજે કુલ 60 લાખ રૂપિયાના વાહન સહિતનો મુદ્દામાલ સીઝ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.