પોરબંદર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી આચરવામાં આવી રહી છે, જિલ્લાના મીયાણીથી માધવપુર સુધીના દરિયા કિનારા વિસ્તારમાં દરિયાઈ રેતીમાં રેતી ચોરી બેરોકટોક થઇ રહી છે. બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાથી જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર અશોક શર્માની સુચનાથી વધુ એક વખત મામલતદારની ટીમે રાતીયા ગ્રામ્ય પંથકમાં રેતીનું ખનન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.
બાતમીના આધારે મામલતદારની ટીમે ગામના સરકારી ખરાબા માંથી દરિયાકિનારા જંગલને અડીને રેતીનું ગેરકાયદેસર રીતે ખનન થતું હોતી કાર્યવાહી હાથ ધરી હતી. રાતીયા ગામે રહેતા દેવશી કેશવાલા દ્વારા ખનન કરવામાં આવી રહ્યું હતું. જેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
રાતીયા ગામે દરિયા કિનારા પાસે 1 ટ્રક, 4 ટ્રેકટર, લોડર મશીન સહિત 50 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો છે. અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આમ વધુ એક વખત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.