ભાવ વધારો:રાંધણગેસ અને કોમર્શિયલ ગેસ સિલીન્ડરમાં ફરી ભાવ વધારો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી અને મંદીના માર વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ફરસાણ, કેટરીંગના વેપારીઓને મુશ્કેલી
  • રાંધણ ગેસ સિલીન્ડરનો ભાવ રૂ. 1024.50 અને કોમર્શિયલ રૂ. 2386એ પહોંચ્યાે

રાંધણગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ફરી ભાવ વધારો ઝીંકાયો છે. પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1024.50 અને કોમર્શિયલ 19 કિલોનો ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 2386એ પહોંચ્યો છે. મોંઘવારી અને મંદીના માર વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો, ફરસાણ અને કેટરિંગના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

સરકાર દ્વારા વધુ એક વખત રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ 19 કિલોના ગેસ સિલિન્ડરમાં રૂ. 8નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ત્યારે પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1024.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 2386એ પહોંચ્યા છે.

એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તો બીજીતરફ સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જીવનજરૂરી ચીજોના ભાવમાં પણ વધારો થયો છે. અને ખાદ્ય તેલની કિંમત પણ આસમાને પહોંચી છે ત્યારે ધરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થતાં ફરસાણ અને કેટરિંગના વ્યાવસાયિકો પણ ભાવ વધારાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. જીવન જરૂરિયાત ચીજોના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

વર્ષમાં ગેસ સિલીન્ડરમાં કેટલા ભાવ વધ્યા?
રાંધણ ગેસ સિલિન્ડર પહેલા રૂ. 921નો ભાવ હતો બાદ રૂ. 50 વધતા રૂ. 971નો સિલિન્ડરનો ભાવ થયો હતો. માર્ચમાં રૂ. 50 વધતા સિલિન્ડર રૂ. 1021એ પહોંચ્યો હતો. હાલ રૂ. 3.50 વધતા રાંધણગેસ સિલિન્ડર રૂ. 1024.50 એ પહોંચ્યો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવમાં 105 રૂપિયા અને એપ્રિલમાં 250 રૂપિયા બાદ ફરી રૂ. 8 નો વધારો થયો છે.

ગેસ સિલીન્ડરમાં ભાવ વધારો થતાં ગ્રાહકો પર બોજ વધશે
પોરબંદરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 2386 થયો છે ત્યારે સતત ભાવ વધારાને કારણે ફરસાણના વેપારીઓ અને કેટરિંગના વ્યાવસાયિકો મુશ્કેલીમાં મુકાયા છે. ફરસાણના ભાવ તેમજ કેટરિંગના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે જેથી આ ભાવ વધારાનો ગ્રાહક પર બોજ વધશે.

ભાવ ન વધારીએ તો નફામાં નુકસાની કરવાનો વારો આવે : વેપારીઓ
કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. 2386એ પહોંચ્યો છે ત્યારે ફરસાણના વેપારીઓએ જણાવ્યું હતુંકે, કોમર્શિયલ ગેસમાં હાલ રૂ. 8નો વધારો થયો છે ત્યારે ગ્રાહકોને કિલોએ રૂપિયા 3 થી 10નો વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાણી છે. અને હરિફાઈના ધંધામાં ટકી રહેવા ભાવ ન વધારીએ તો નફામાં નુકશાની કરવાનો વારો આવે છે.

આવક સ્થિર- જાવક વધી છે, ચૂલો ફૂંકવાનો સમય આવશે : મહિલાઓ
રાશન સહિતના ભાવો વધ્યા છે. મોંઘવારીએ માજા મૂકી છે, રાંધણ ગેસના સિલિન્ડરમાં સતત ભાવ વધી રહ્યા છે, જેથી રસોડાનું બજેટ ખોરવાયું છે જ્યારે આવક સ્થિર છે અને જાવક વધી છે જેથી ચૂલો ફૂંકવાનો સમય આવશે તો નવાઈ નહિ રહે તેવું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...