માંગણી:વધતી જતી મોંઘવારીએ વિકાસ નહીં, વિનાશ વેર્યો છે, મોંઘવારીને કાબુમાં લેવા કોંગ્રેસે સરકારને રજૂઆત કરી

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ રજૂઆત કરી એવું જણાવ્યું છે કે છેલ્લા આઠ વર્ષમાં તમામ ચીજવસ્તુઓના ભાવ બમણા થયા છે. કરિયાણાની વસ્તુનુ સહિત શાકભાજી, ગેસ, પેટ્રોલ ડીઝલ અને તેલના ભાવમાં અસહ્ય વધારો થતાં સામાન્ય પરિવારને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. એક બાજુ સરકાર ભારતને ગરીબીથી મુક્ત કરવાની વાતો કરે છે, અને બીજી બાજુ સતત મોંઘવારીમાં વધારો કરી ગરીબી વધારે છે. ગૃહિણીઓને સુલાનો ધુમાડો સહન ન કરવો પડે તે માટે ઉજ્વલા યોજના હેઠળ મહિલાઓને ગેસના ચૂલા અને સિલિન્ડર આપ્યા હતા. ત્યારબાદ ગેસના ભાવમાં સતત વધારો કરી બહેનોને ફરી ચૂલા ફૂંકતી કરી દીધી છે.

ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકયો છે. એક બાજુ કોરોનાને કારણે ફટકો લાગ્યો છે. અને બીજી બાજુ મોંઘવારીમાં ભાજપ સરકાર વિકાસના બમણા ફુકે છે પણ મોંઘવારીએ વિકાસ નહીં, વિનાશ વેર્યો છે તેવું રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. લોકોને પોતાનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા ફરજીયાત લેવી પડતી દવા લોકોને ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. વિકાસની વાતો કરતી સરકાર આ પ્રશ્ને ગંભીરતાથી વિચારી વધતી જતી મોંઘવારીથી જનતાને તાત્કાલિક ધોરણે રાહત આપે અને ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરે તેવી માંગણી રામદેવભાઇ મોઢવાડીયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...