રોષ:માલધારી સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રોષ ભભૂક્યો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ભાજપના કાર્યકરો કે આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માંગવા પ્રવેશવું નહીં
  • માલધારી સમાજના નેહડા, વસાહત વિસ્તારોમાં બેનરો લગાવાયા, જિલ્લામાં બેનરો લગાવવાનું શરૂ કરાયું

માલધારી સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા રોષ ભભૂકી ઉઠયો છે. માલધારી સમાજ દ્વારા સમાજના નેહડા, માલધારી વસાહત વિસ્તારોમાં બેનરો લગાવાયા છે અને બેનરોમાં ભાજપના આગેવાનોએ આ વિસ્તારમાં પ્રચાર કરવા પ્રવેશ મનાઈ દર્શાવી છે. જિલ્લામાં બેનરો લગાવવાનું શરૂ કરાયું છે.

પોરબંદર શહેરમાં માલધારી વસાહતો અને જોંક વિસ્તારોમાં ગઇકાલે રાતથી બેનરો લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજ બેનરોમાં દર્શાવ્યું છેકે, ગીર બરડા, આલેચ, અનુ જાતિના દરજ્જા બાબતે તેમજ અન્ય 9 માંગણીઓ ભાજપ સરકાર દ્વારા ન સંતોષાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માંગવા પ્રવેશવું નહિ. આવા બેનરો આ સમાજના વસાહતો અને જોંક વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે.

માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, સમાજના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક વખત ગુજરાતના મુખ્યમંત્રી કેબિનેટ પ્રધાનો તથા ગુજરાત ભાજપના મહુડી મંડળને મળી ચૂક્યો છે તેમ છતાં પ્રશ્નનો નિરાકરણ ના આવતા આખરે ગુજરાતની અંદર બે મહાસંમેલન બોલાવેલ છે. પહેલું મહાસંમેલન કેશોદ તાલુકાની બાજુમાં પાણીધરાના પાટીયા પાસે અને બીજુ માલધારી મહાસંમેલન ગાંધીનગર જિલ્લાની શેરથા ખાતે બે -બે લાખ માલધારીઓનો સમાવેશ થયો હતો અને માલધારી શક્તિ પ્રદર્શન કરી અને સરકારને બતાવેલ હતો, તેમ છતાં આખરે સમાજના પ્રશ્નનો નિરાકરણ આવ્યો નથી.

છેલ્લા મહાસંમેલનમાં સરકારને અલ્ટીમેટમ આપેલું હતું કે જો સમાજના પ્રશ્ન તા. 30 /9/ 2022 સુધીમાં નહીં ઉકેલવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે અને ભાજપનો બહિષ્કાર કરાશે. આ પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે રબારી, ભરવાડ, ચારણ અને માલધારી સમાજની સોસાયટી હોય, માલધારી સમાજની જોંક હોય, માલધારી સમાજના નેહડા હોય કે માલધારી સમાજની વસાહત હોય ત્યા એક બેનર લગાડવાની ઝુંબેશ ચાલી રહી છે.

શું છે માંગણીઓ?
જ. મ. મલકાણ પંચે સર્વે કરી સમાજના 17551 વ્યક્તિ વિડીસી કાર્ડ આપ્યા હતા. તે કાર્ડ હાલની સરકાર માન્ય રાખતી નથી. આ કાર્ડ માન્ય રાખવા જોઈએ, સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વિવિધ વિભાગોમાં વર્ગ 1 થી 4 સુધીના ઉમેદવારો પાસ થયા છે તેઓને ઓર્ડર આપ્યા નથી. ઉમેદવારોને ઓર્ડર આપવા જોઈએ, ગુજરાત માંથી ગૌચર ખુલ્લું કરવું, માલધારી વસાહત ઊભી કરવી જોઈએ, ગુજરાતમાં બધા બોર્ડ નિગમોમાં દર વર્ષે કરોડો રૂપિયાના ગ્રાન્ટ આપે છે તો ગૌપાલક નિગમ બોર્ડ ગ્રાન્ટ નથી આપતી તે ગ્રાન્ટ આપવી જોઇએ, માલધારીઓના વાડા કાયદેસર કરવા જોઈએ, દૂધના ભાવ વધારવા અને 1 લિટરે રૂ. 5 સબસિડી આપવી જોઇએ, ખોડ, કપાસિયા, ઘાસના ભાવ નિયંત્રણમાં લેવા જોઈએ સહિતની માંગણીઓ છે.

તત્કાલીન મુખ્યમંત્રીએ કાર્ડ વિતરણ કર્યા હતા
માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, કુતિયાણામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીસી પરથી નીકળતા દાખલા વિતરણ કર્યા હતા હવે એ દાખલા માન્ય રાખવામાં આવતા નથી. આ દાખલા માન્ય રાખવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...