રોષ:પાલિકા દ્વારા વેરામાં પેનલ્ટી લેવાતા ધારકોમાં રોષ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલી
  • વેરામાં વ્યાજ - પેનલ્ટી માફ અંગે ઠરાવ થયા બાદ પણ અમલવારી નહિ
  • વેરા પેનલ્ટી માફીનો પરિપત્ર જાન્યુઆરીના આખરમાં આવ્યો હતો, પાલિકા દ્વારા પ્રજાલક્ષી યોજનાનો અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરવાની જરૂર હતી - ધારકો

વેરામાં વ્યાજ - પેનલ્ટી માફ અંગે તા. 10 માર્ચના ઠરાવ થયા બાદ પણ અમલવારી કરવામાં આવી નથી અને હજુપણ પાલિકા દ્વારા પેનલ્ટી લેવામાં આવતી હોવાથી ધારકોમાં રોષ ફેલાયો છે. વેરા પેનલ્ટી માફીનો પરિપત્ર જાન્યુઆરીના આખરમાં આવ્યો હતો ત્યારે પાલિકા દ્વારા આ પ્રજાલક્ષી યોજનાનો અધ્યક્ષ સ્થાનેથી વહેલો ઠરાવ કરવાની જરૂર હતી તેવું ધારકો જણાવી રહ્યા છે. ગાંધીનગર મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશન કમીશનર દ્વારા જાન્યુઆરીના આખરમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાઓની આવક સમયસર થઈ શકે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરવામાં આવી છે.

જે મુજબ એપ્રિલ 2021 થી માર્ચ-2022 અથવા તો તે પહેલાના માંગણા બીલના વેરાની રકમ માર્ચ-2023 સુધીમાં જે પણ મિલ્કતધારકો ભરપાઈ કરી દે તો દરેક પાલિકાઓ દ્વારા આવા મિલ્કતધારકોનું થતું વ્યાજ, નોટીસ ફી, પેનલ્ટી અને વોરન્ટ ફી સહિતની રકમ 100 ટકા માફ કરવાની રહેશે. પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં તા. 10 માર્ચના રોજ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ વળતર યોજના અંતર્ગત જૂના માંગણા માટે તા. 1/4/2021 થી તા. 31/3/2022 અથવા તે પહેલાના બાકી રહેલ તમામ વેરાની બાકી રકમ તા. 31/3/2023 સુધીમાં ભરપાઈ કરે તો નોટીશ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી પેટેની 100 ટકા રકમ માફ થશે.

વર્ષ 2023-24 ની વેરાની રકમ તા. 30/6/23 સુધીમાં એડવાન્સ ભરપાઈ કરવા પર 10 ટકા વળતર અને ઓનલાઇન તા. 30/5/2023 સુધીમાં ભરવા પર વધુ 5 ટકા વળતર મળશે તેવું જણાવ્યું છે. આ ઠરાવની અમલવારી હજુસુધી થઈ ન હતી અને પાલિકા દ્વારા 18 ટકા પેનલ્ટી સાથે વેરો લેવામાં આવી રહ્યો છે ત્યારે ધારકોમાં રોષ ફેલાયો હતો અને જણાવ્યું હતુંકે, પ્રજાલક્ષી આ યોજનાનો લાભ મળે તે માટે પાલીકાના અધ્યક્ષ સ્થાનેથી વહેલી તકે ઠરાવ કરવાની જરૂર હતી આમછતાં ફેબ્રુઆરી ને બદલે 10 માર્ચે ઠરાવ કરવામાં આવ્યો હતો અને હજુસુધી અમલવારી કરવામાં આવી નથી.

પ્રાદેશિક કમિશ્નર પાસેે અમલવારી કરવા મંજુરી માંગી છે
પરિપત્ર અંગે ઠરાવ કરવા માટે આ બાબતનો રિપોર્ટ પાલિકાની સામાન્ય સભામાં કરેલ હતો. બેઠક મળી એટલે ઠરાવને મંજૂરી મળી છે અને જનરલ બોર્ડમાં મંજૂરી મળી છે એટલે પ્રાદેશિક કમિશનર રાજકોટને મંજૂરી માટે અમલવારી કરવા મોકલાવેલ છે ત્યાંથી મંજુરી મળી જશે અને સહી થશે પછી અહી પણ અમલવારી શરૂ થશે. - મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

ધારકો પાસેથી લીધેલી પેનલ્ટીના રૂપિયા પરત આપો - વિપક્ષ સુધરાઇ સભ્ય
યોજનાની અમલવારી અંગેનો પરિપત્ર તા. 21 જાન્યુઆરીના આવ્યો હતો ત્યાર બાદથી અત્યાર સુધીમાં જે ધારકો પાસેથી પેનલ્ટી લીધેલ છે તે ધારકોને પેનલ્ટીના રૂપિયા આવતા વર્ષમાં જમાં કરવામાં આવે, પરત આપવામાં આવે અને હજુસુધી વ્યાજ, પેનલ્ટી માફીની અમલવારી ચાલુ થઈ નથી તે ચાલુ કરવામાં આવે. - ફારૂકભાઈ સૂર્યા, વિપક્ષ સુધરાઇ સભ્ય, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...