જાનહાનીની ભિતી:કસ્તુરબા સ્મારક નજીક જર્જરીત બાંધકામ દૂર કરો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાંધકામની જગ્યાએ લાઇબ્રેરી બનાવવા રજૂઆત, પ્રવાસીઓને પુરતી જાણકારી મળી શકશે

પોરબંદર શહેરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં કસ્તૂરબા ગાંધીના સ્મારક નજીક એક પડતર બાંધકામ ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હોય દૂર કરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેર ગાંધી જન્મભૂમી તરીકે પ્રખ્યાત હોય ત્યાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે. બાપુના જન્મસ્થળની મુલાકાત લીધા બાદ પ્રવાસીઓ કસ્તુરબા ગાંધીના મકાનની પણ મુલાકાત લેવા માટે જાય છે. પરંતુ ગાંધી મકાનની મુલાકાત લીધા બાદ કસ્તુરબાના મકાન તરફ જાય છે ત્યારે તે રસ્તા પર વર્ષો જુનુ એક પડતર બાંધકામ આવેલું છે. આ બાંધકામના પાયા ખૂબ જ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાંધકામમાંથી પોપડા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે.

આ રસ્તા પરથી પ્રવાસીઓ નીકળે છે ત્યારે પ્રવાસીઓને પણ અકસ્માતનો ભય લાગે છે ત્યારે કોંગ્રેસના કાઉન્સીલર જીવનભાઇ જુંગીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર કીર્તિમંદિરની પાછળ કસ્તુરબા ગાંધીનું મકાન આવેલું છે જેની પાસેનું જર્જરીત મકાન દૂર કરી તેના પર મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના જીવન પર એક લાયબ્રેરીનું આયોજન કરવાનું અને તેના માટે અગાઉ સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવેલ છે પરંતુ તેનું કોઇપણ પ્રકારનું સમારકામ થયેલ નથી અને તે મકાન જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી શકે તેવી શકયતા છે. તેથી આ જર્જરીત મકાન દૂર કરીને તે જગ્યા પર નવું બાંધકામ કરીને બાપુ તથા કસ્તુરબાના જીવન ચરીત્ર પર લાઇબ્રેરીનું નિર્માણ થાય તો પ્રવાસીઓને પુરતી જાણકારી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...