સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તબીબનો કોન્ટ્રાકટ પૂરો થયો છે જેથી ઓર્થોપેડિક તબીબ ન હોવાના કારણે મોટાભાગના દર્દીઓને રીફર કરવામાં આવી રહયા છે જેથી દર્દીઓને હાલાકી પડી રહી છે. હજુ અઠવાડિયા સુધી ENT સર્જન પણ રજા પર જશે જેથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડશે.
પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે મહત્વના તબીબોની વર્ષોથી નિમણુંક થઈ નથી જેને લઈને મોટાભાગના દર્દીઓને રીફર કરવામાં આવે છે ત્યારે આ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક જેવી મહત્વની જગ્યા પર 11 માસના કોન્ટ્રાકટથી ઓર્થોપેડિક તબીબની નિમણુંક કરવામાં આવી હતી પરંતુ ગત તા. 10ના રોજ ઓર્થોપેડિક તબીબનો કોન્ટ્રાકટ પૂર્ણ થતાં હાલ ઓર્થોપેડિક તબીબ આવતા ન હોય જેથી ઓર્થોપેડિકને લગતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ઓર્થોપેડિક તબીબ ન હોવાના કારણે મોટાભાગના દર્દીઓને રીફર કરવામાં આવી રહ્યા છે. જ્યારે નાક, કાન , ગળાના રોગના સર્જન પણ સોમવારથી અઠવાડિયા સુધી રજા પર જશે. જેથી સરકારી હોસ્પિટલ ખાતે ENT સર્જન પણ નહીં મળી શકે. આથી ઓર્થોપેડિક અને ENT સર્જન ન હોવાને કારણે દર્દીઓને ફરજિયાત રીફર થવાનો અથવા ખાનગી હોસ્પિટલ ખાતે જવાનો વારો આવશે.
કોન્ટ્રાક્ટ રીન્યુ માટની કાર્યવાહી કરાઇ છે : RMO
આરએમઓ ડો. વિપુલ મોઢાએ જણાવ્યું હતુંકે, ઓર્થોપેડિક તબીબના કોન્ટ્રાકટ રીન્યુ માટે ગાંધીનગર કાગળિયા મોકલ્યા છે જેથી કોન્ટ્રાક્ટ રીન્યુ થઇ જશે ત્યાર બાદ એટલે કે આવનારા દિવસોમાં જ ઓર્થોપેડિક તબીબની કોન્ટ્રાકટ પદ્ધતિથી નિમણુંક થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.