ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત સર્વ સમાજ માટેની કથા સપ્તાહના પાંચમાં દિવસે પૂજ્ય માલદેવબાપુએ સદેહે પ્રતીકાત્મક હાજરી આપી હતી. ભાગવત કથાની શરૂઆત પૂર્વે યજમાનો દ્વારા પોથી પૂજન બાદ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મહેર સમાજને જેની ઘણા સમયથી પ્રતિક્ષા હતી તેવા ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકના પ્રિન્ટ અને ડિજિટલ વર્ઝનનું તેમજ પૂજ્ય માલદેવ બાપુ લિખિત પુસ્તક ‘મહેર જવાંમર્દો’ ના ડિજિટલ વર્ઝનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના નિર્માણમાં આર્થિક અનુદાન આપનાર, પુસ્તક તૈયાર કરવામાં પોતાની સમય, શક્તિ અને જ્ઞાનનો અમુલ્ય ફાળો આપનાર ભાઈ-બહેનો તેમ જ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલ ઓડેદરા તથા ઉપપ્રમુખો તેમજ સ્વામી પરમાત્માનંદજી વગેરે મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે પુસ્તકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરી આ સુંદર પુસ્તક તૈયાર કરવામાં સહભાગી બનનાર સહુ કોઈને તેમજ આ પુસ્તકના પ્રકાશન બદલ સુપ્રીમ કાઉન્સિલને અભિનંદન પાઠવ્યા હતા. આ પુસ્તકને તૈયાર કરવા માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલ ઓડેદરાના માર્ગદર્શન નીચે એક લેખન સમિતિ બનાવવામાં આવી હતી. પુસ્તક નિર્માણના આ ભગીરથ કાર્યમાં સમગ્ર ટીમના વડા તરીકે કેનેડા સ્થિત ડૉ.અરજન કેશવાલા અને સમગ્ર સંકલનમાં કાઉન્સિલના ઉપપ્રમુખ બચુ આંત્રોલીયાનો સિંહફાળો છે. ઉપરોક્ત બંને પુસ્તકોની ડિજિટલ આવૃત્તિ સંસ્થાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી એ સતત ચાર દિવસથી અવિરત વહેતી ભાગવત ગંગાના કથાપ્રવાહને તેમના બુલંદ કંઠેથી વહેતો કર્યો હતો. કથાનો પાંચમો દિવસ હતો અને પૂજ્ય ભાઈશ્રીએ તેમના અદ્ભુત ભાગવત જ્ઞાનથી શ્રોતાજનોને ભાવવિભોર કર્યા હતા. પુસ્તક વિમોચનના કાર્યક્રમનો ઉલ્લેખ કરી તેમણે જીવનમાં પુસ્તકનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું. લાઈબ્રેરી વગરનું ઘર એટલે મગજ વગરનું શરીર હોવાનું જણાવી તેઓએ દરેક ઘરમાં ભલે નાનકડી પણ એક લાઈબ્રેરી અને એક ભગવાનનું મંદિર હોવું જ જોઈએ એ બાબત જણાવી હતી. તેઓએ મહિલાઓને પણ પુસ્તકો વાંચવા ખાસ આગ્રહ કર્યો હતો. સારા પુસ્તકોના સ્વાધ્યાય અને વાંચનથી બુદ્ધિ દેવમયી બનશે. દેવમયી એટલે દેવકી અને જ્યાં માતા દેવકી સમાન હોય ત્યાં જ કૃષ્ણ સરીખો પુત્ર પ્રાપ્ત થાય એવું તેઓએ જણાવ્યું હતું.
પૂજ્ય ભાઈશ્રીએ પ્રસાદ ઘરની મુલાકાત લઈ ભાવિકોને પ્રતિકાત્મક રીતે સ્વહસ્તે પ્રસાદ વિતરણ કરતાં કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો હતો. આ ઉપરાંત તેઓએ કૃષિ મેળાની પણ મુલાકાત લીધી હતી. 14 માર્ચથી શરુ થયેલ આ કૃષિ મેળાને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. મોટાભાગના સ્ટોલમાં સ્ટોક પૂરા થવાને આરે છે. લોકોના જોરદાર પ્રતિસાદને ધ્યાને લઈ આ લોકમેળાને આયોજકો દ્વારા આજે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે.
સાંજે જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ડૉ.જીતેન્દ્ર અઢિયાનું મનની શક્તિ વિષયનું મલ્ટીમીડિયા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં તેમના મદદનીશ દ્વારા કેટલાક પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રે વિખ્યાત કાન-ગોપી આર્ટીસ્ટ ભીમ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન પોપટ ખુંટી તથા હાર્દિક મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.