પોરબંદર શહેર સહિત જિલ્લા ભરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા રામદેવ મોઢવાડીયાની હોસ્પિટલ ક્ષેત્રે સેવાકીય કામગીરીને ધ્યાને લઈ જેસીઆઈ પોરબંદર દ્વારા તેઓનું ડિસ્ટ્રીકટ ચેમ્બર હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર વિસ્તારની કોઈપણ વ્યક્તિને ગુજરાતભરમાં હોસ્પિટલનું કામ પડે ત્યારે એક જ નામ યાદ આવે અને એ નામ એટલે રામદેવ મોઢવાડીયા.
સેવાકીય કામગીરી બદલ સન્માન
અમદાવાદ, રાજકોટ, જામનગર કે અન્ય કોઈપણ જગ્યાએ પોરબંદર વિસ્તારના દર્દીઓને સારી સારવાર મળી રહે, આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા ઉમદા કાર્ય માટે રામદેવ મોઢવાડીયા સતત સક્રીય રહે છે. પોરબંદર વિસ્તારમાં સમયાંતરે સર્વરોગ નિદાન કેમ્પો તથા રક્તદાન કેમ્પઓના આયોજનો કરીને પોરબંદર વિસ્તારના દર્દીઓને સતત મદદરૂપ બનતા રામદેવ મોઢવાડીયાની આરોગ્ય ક્ષેત્રની આ વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અનિલ કારીયા અને ડો.સુરેશ ગાંધીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં પોરબંદરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સાહિલ કોટેચા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.