19 ગામને સાવચેત કરાયા:ઉપરવાસમાં વરસાદ : પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ઓછો થયો પણ અન્ય જિલ્લામાં વરસેલા વરસાદનું પાણી આવી પહોંચ્યું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદર-2 અને ખારા ડેમના દરવાજા ખોલાયા, જિલ્લાનો ફોદાળા ડેમ 90 ટકા ભરાઇ જતાં ઓવરફ્લો થવાની તૈયારી

પોરબંદરમાં છેલ્લા પાંચેક દિવસથી આમ તો વરસાદ ઓછો થઇ ગયો છે, તેમછતાં અન્ય જીલ્લાઓમાં પડી રહેલા વરસાદને પગલે ભાદર-2 અને બાટવાના ખારા ડેમના દરવાજાને વધુ ખોલાતા કુતિયાણા તાલુકાના ચાર ગામોને સાવચેત કરાયા છે. જોકે બીજી તરફ રાણાવાવમાં આવેલ ખંભાળા ડેમ છલકાઇ તેવી પરિસ્થિતીને લીધે રાણાવાવ તાલુકાના 15 ગામોને સાવચેત કરાયા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડેલા વરસાદને પગલે ઉપરવાસમાં પાણીની આવક વધુ હોવાને લીધે ભાદર-2 ડેમનો 1 દરવાજો 1.5 ફુટ ખુલેલ હતો તેમાં વધારો કરીને આજે સાંજે 5:00 કલાકે વધુ 3 દરવાજા, 2 ફુટ ખોલવામાં આવ્યા છે. જેમાં પાણીનો પ્રવાહ 8104.80 ક્યુસેક છે, જેથી ભાદર નદીના હેઠવાસના કુતિયાણા તાલુકાના ગામડાઓના લોકોને સાવચેત કરાયા છે.

જ્યારે કે પોરબંદરના પાડોશી માણાવદર તાલુકાના બાંટવા ગામ પાસે આવેલ બાંટવા ખારો ડેમનો 1 દરવાજો 0.05 મી. ખુલ્લો હતો તેમાં આજે સાંજે 6:30 કલાકે વધારો કરી 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. જેના લીધે નીચણવાળા કુતિયાણા તાલુકાના ધરસન,ગઢવાણા, રેવદ્રા તથા તરખાઇ ગામના લોકોને સાવચેત કરાયા છે.

જ્યારે બીજી તરફ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ફોદાળા ડેમ તેની કેપેસિટીના 90 % સુધી ભરાઇ જતા, રાણાવાવ તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, આશીયાપાટ, કાઢીયા નેસ, સાજણવાળા નેસ, ખીરસરા, વાડોત્રા, રાણાકંડોરણા, ખીજદળ, ઠોયાણા, જાંબુ, કેરાળા, પાદરડી, કુંડિયાવાળા નેસ તથા ઝારેરા નેસના લોકોને સાવચેત કરાયા છે.

એક હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું
ઉપરવાસમાંથી આવતા પાણીને લીધે સાવચેતીના પગલા સ્વરૂપે પોરબંદર જીલ્લામાં સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્રારા એક હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ હતુ, જેને હવે પરત પોતાના ઘરોમાં મોકલી દેવામાં આવ્યા છે.

વરસાદને લીધે એક મોત, સામાન્ય નુકસાન
પોરબંદરમાં વરસાદને લીધે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે, જેના પરિવારજનોને રૂ.4 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. નવ પશુઓના મોત થયા છે, તે અંગેની સહાય પણ ચૂકવી દેવાઇ છે. 10 કાચા મકાનોને નુક્શાન થયુ હતુ તે અંગેની સહાય પણ ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે તેવું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...