વ્યવસ્થા કરવા માગ:પોરબંદરનું જન સેવા કેન્દ્ર પાણી વિહોણું, 3 માસથી પાણીનું કુલર બંધ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સુવિધા ન હોય, અરજદારોને પીવાનું પાણી ખરીદવું પડે છે

પોરબંદરના જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવેલી જન સેવા કેન્દ્ર પાણી વિહોણી બની છે. ઉનાળાની શરૂઆત થી એટલે કે, 3 માસથી પાણીનું કુલર બંધ છે. ભર ઉનાળે અરજદારો માટે પીવાના પાણીની સુવિધા નહિ હોવાથી અરજદારોને પીવાનું પાણી ખરીદવુ પડે છે.

વર્ષો પહેલા રાહદારીઓ માટે સેવાભાવી વ્યક્તિ પાણીના પરબ બંધાવતા હતા. રાહદારીઓને પીવાનું પાણી મળી રહે અને તે ગરમીમાં તરસ્યા ન રહે એવા ઉમદા હેતુ સાથે પાણીના પરબ બંધાવવામાં આવતા હતા. હાલ પાલિકા હસ્તકના પરબ પણ બંધ છે. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જન સેવા કેન્દ્ર ખાતે પીવાનું પાણી જ નથી. જનસેવા કેન્દ્ર નો મતલબ જ લોકોની સેવા એવો થાય છે ત્યારે આ કેન્દ્ર ખાતે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

છેલ્લા 3 માસથી જન સેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું કુલર ખરાબ થવાથી બંધ હાલતમાં છે અને રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેને કારણે જન સેવા કેન્દ્ર ખાતે છેલ્લા 3 માસથી પીવાનું પાણી ન હોવાને કારણે અરજદારો કાળઝાળ ગરમીમાં પીવાના પાણીથી વંચિત રહે છે. ઉલ્લેખનીય છેકે, જન સેવા કેન્દ્ર ખાતે વિવિધ કામગીરી માટે અનેક અરજદારો દરરોજ આવે છે. કેટલાક અરજદારો દૂર દૂર થી આવતા હોય છે. અને અહીં પીવાનું પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારો ગરમીમાં બફાઈ રહે છે અને પીવાનું પાણી ખરીદી કરીને લાવે છે.

અહીં તંત્ર દ્વારા તાકીદે કુલરનું રીપેરીંગ કામ કરવામાં આવે અથવા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

પાણીની તરસ લાગે પણ ખરીદી કરવા જઈએ તો વારો ચાલ્યો જાય: અરજદાર
જન સેવા કેન્દ્ર ખાતે આવનાર અરજદારોએ જણાવ્યું હતુંકે, અહીં ટોકન સિસ્ટમ છે અને ટોકન મુજબ વારો આવે છે. પીવાના પાણીની સુવિધા નથી જેથી પાણી ખરીદવા જઈએ તો વારો ચાલ્યો જાય. અહીં આસપાસ પણ પીવાના પાણીની વ્યવસ્થા નથી એટલે દૂર સુધી પાણીની ખરીદી માટે જવું પડે છે.

ઉનાળામાં પીવાના પાણીની વધુ જરૂરિયાત રહે છે
મહિલા અરજદારે જણાવ્યું હતુંકે, જન સેવા કેન્દ્ર ખાતે બાળકોને સાથે લઈને આવ્યા છીએ. અહીં પાણીની સુવિધા નથી. ઉનાળા દરમ્યાન પીવાનું પાણીની જરૂરિયાત વધારે હોય છે. બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલી પડે છે.

કેન્દ્ર પાસે કુલર વિભાગને તાળું
જન સેવા કેન્દ્ર ખાતે કુલર પાણી વિભાગ આવેલ છે. અહીં કુલર ખરાબ થઈ જતા રીપેરીંગ કરવામાં ન આવતા હાલ આ વિભાગમાં તાળું મારી દેવામાં આવ્યું છે.

100થી વધુ અરજદારો કેન્દ્ર ખાતે આવે છે
જન સેવા કેન્દ્ર ખાતે વિવિધ કામગીરી સબબ દરરોજ અરજદારોને ટોકન આપવામાં આવે છે. અહીં દરરોજ 100થી વધુ અરજદારો કામગીરી માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...