ચકડોળ ધારકોનો હોબાળો:પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ સહિતના સ્ટોલ ધારકોને જગ્યા ફાળવવા જાહેર હરરાજીનું આયોજન

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટીને લઈ ચકડોળ ધારકોએ હરરાજીનો બહિષ્કાર કર્યો, ચકડોળની હરરાજી બે દિવસ મોકૂફ રાખવામાં આવી

જન્માષ્ટમીના લોકમેળાની હરરાજીમાં ચકડોળ ધારકોએ જીએસટીના ભાવ લેવા બાબતે હોબાળો મચાવી હરરાજીનો બહિષ્કાર કરી રવાના થયા હતા જેથી ચકડોળની હરરાજી બે દિવસ મોકૂફ રાખવામાં આવી છે. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ સહિતના સ્ટોલ ધારકોને જગ્યા ફાળવવા જાહેર હરરાજીનું આયોજન કર્યું હતું. પાલિકા કચેરી ખાતે ચકડોળ ધારકો અને મોતના કુવાની જગ્યાની હરરાજી માટે બોલાવવામાં આવ્યા હતા.

લોકમેળામાં મોતના કુવા માટે 2 જગ્યાની હરરાજી કરવાની હતી અને બાદ 60 જેટલા ચકડોળની હરરાજી કરવાની હતી, હરરાજીમા ચીફ ઓફિસર, પાલિકા ઉપપ્રમુખ સહિત મેળા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હરરાજી શરૂ થતા નિયમો બોલવામાં આવ્યા હતા. મોતના કુવાની હરરાજી થતા જ ધારકોએ જણાવ્યું હતુંકે, હજુ મેળો શરૂ થવાની વાર છે અને જો કોરોના સંક્રમણ વધે અને મેળો રદ થાય તેવા સંજોગોમાં ચકડોળ ધારકોને રૂપિયા પરત મળે કે નહીં,

આ સવાલ કરતા પાલિકાના મેળા સમિતિના સભ્યોએ જણાવ્યું હતુંકે, જીએસટીની રકમ બાદ કરીને બાકીની રકમ પરત આપવામાં આવશે જેથી ચકડોળ ધારકોએ હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતુંકે સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરનો રાજકોટના મેળામાં પણ જગ્યા પર જીએસટી નાખવામાં આવતું નથી.

માધવપુરનો.લોકમેળો યોજાયો હતો તેમાં પણ ચકડોળ ધારકો પર જીએસટી દર લેવામાં નહતો આવ્યો અને માત્ર પોરબંદર પાલિકા જ ચકડોળ માટેની જગ્યામાં જીએસટી લે છે તેવું કહી ચકડોળ ધારકોએ હોબાળો મચાવી ચકડોળની જગ્યા માટેની હરરાજીનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી. જેથી ચકડોળની જગ્યા માટેની હરરાજી 2 દિવસ મોકૂફ રાખવામાં આવી છે. આગામી તા. 3 ના રોજ ફરીથી ચકડોળની જગ્યા માટે હરરાજી રાખવામાં આવશે તેવું જણાવ્યું છે.

ચકડોળના ભાવ બાબતે પણ રકઝક ચાલી
પાલિકા દ્વારા ચકડોળ ધારકો માટેના નિયમ જણાવવામાં આવ્યા હતા જેમાં મોતના કૂવામાં ટીકીટ રૂ. 30 લેવી અને ટિકિટના દર લોકોને દેખાઈ એ રીતે દર્શાવવામાં રહેશે તેવું જણાવતા ધારકોએ જણાવ્યું હતુંકે, હાલ મોંઘવારીના કારણે ચકડોળ લાવવાનું ભાડું, માણસો પગાર, ડીઝલ, લાઈટ બીલથી માંડીને અન્ય ખર્ચાઓ થતા હોય જેથી ટિકિટના રૂ. 30 પરવડે તેમ ન હોય, ટિકિટના રૂ. 50 રાખવામાં આવે તેવી માંગ કરી હતી જેના જવાબમાં કમિટીએ જણાવ્યું હતુંકે, લોકમેળામાં તમામ વર્ગના લોકો મનોરંજન માણવા આવતા હોય જેથી તેઓને પણ રૂ. 50 ટિકિટના ભાવ પરવડે નહિ. લોકમેળો લૂંટ મેળો ન થાય તે પાલિકાએ જોવાનું હોય છે.

શું કહે છે ચકડોળ ધારકો?
જીએસટી નાખવામાં આવે તો ચકડોળ રાખવી મોંઘી પડી જાય. પાલિકા દ્વારા મોતના કુવાની જગ્યાનો ભાવ રૂ. 60 હજાર રાખવામાં આવ્યો છે તેની સામે જીએસટી રૂ. 10,800 થાય છે. જેથી જગ્યા રૂ. 70,800મા પડે અને તેમાં હરરાજી થાય એટલે ભાવ આસમાને પહોંચે અને તેના પર જીએસટી લાગે તો કેવીરીતે પરવડે. અને ટિકિટના ભાવ માત્ર 30 રાખવાના થાય તો ચકડોળ ધારકોને નુકશાની વેઠવાનો વારો આવી શકે તેમ છે તેવું ચકડોળ ધારકોએ જણાવ્યું હતું.

જીએસટી બાબતે અન્ય જિલ્લામાં તપાસ કરીશું : ચીફ ઓફિસર
ચકડોળ અંગેની હરરાજી મુલત્વી રાખેલ છે. મોતના કુવાની જગ્યા માટે હરરાજી વખતે જીએસટીનો મુદ્દો આવ્યો છે. અન્ય જિલ્લામાં થતા લોકમેળામાં જીએસટી રાખી છેકે નહિ તે અંગે તપાસ કરાવી લેશું. જે માહિતી મળશે તેની કાયદાકીય ચકાસણી બાદ નિર્ણય લેવામાં આવશે. - આર.સી.દવે, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...