પોરબંદર જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી પણ ઓછું થઇ જતું હોવાથી રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોને ઠંડીને લીધે મુશ્કેલી વેઠવી પડે છે. જેથી પોરબંદર જિલ્લાના ખેડૂતોને દિવસના સમયે કૃષિ માટેની વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજાવતી ઠંડી પડે છે. 10 ડિગ્રીથી પણ ઓછી કાતિલ ઠંડી પડી રહી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તાર તથા હાઇવે અંગે ગ્રામ્ય પંથકમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે.
પોરબંદર જિલ્લામાં ખેડૂતોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે જેથી કકળતી ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે, જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ- અસ્થમાના બનાવો વધ્યા છે.
માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે ત્યારે ખેડૂતોને આવી હાડ થીજાવતી ઠંડીના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોય જેથી કૃષિ માટેની વીજળી સવારના સમયે આપવામાં આવે આવે તેવી માંગ ઉઠી છે.
સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી પરંતુ ખરેખર ખેડૂતોને એમનો લાભ મળ્યો નહીં - ખેડૂત આગેવાન
નોકરિયાત વર્ગ હોય તે બધાને 10:30 પછી ઓફિસો ખુલે છે અને 5:30 વાગે બંધ થઈ જાય છે. આજથી એક વર્ષ પહેલાં સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવી હતી માત્ર એક મહિના પૂર્તિ જ લાઈટ દિવસે રહી. આખા ગુજરાતમાં સૂર્યોદય યોજના જૂનાગઢમાં નરેન્દ્ર મોદીને હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પછી તાલુકા અને જિલ્લામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યા. સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી પરંતુ ખરેખર ખેડૂતોને એમનો લાભ મળ્યો નહીં. ખેડૂતોને દિવસે લાઈટ આપવી જોઈએ. 8 થી 10 ડિગ્રી તાપમાનમાં રાત્રિના પાણી વાળવામાં ખેડૂતોને મોટી તકલીફ છે. હિતેશ મોઢવાડિયા , ખેડૂત આગેવાન, મોઢવાડા
દિવસે વીજળી પૂરી પાડવા કોંગ્રેસ દ્વારા રજૂઆત
હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે અને હજુ ઠંડી વધશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ખાસ રજૂઆત કરીને જણાવ્યું છે કે હાલમાં વધુ ઠંડી છે ત્યાં સુધી પોરબંદર જિલ્લાના ખેડૂતોને પાક માટે દિવસે વીજળી પૂરી પાડવી જોઇએ, જેથી તેઓ શાંતિથી પોતાની કામગીરી કરી શકે અને પાક માટે ખેતરમાં પિયત સહિતની કાર્યવાહી થઇ શકે માટે રાજ્યસરકારે તાત્કાલિક નિર્ણય લઇને ખેડૂતોને દિવસના સમયે વીજળી આપવી જોઇએ તેવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.