તૈયારી શરૂ:પોરબંદરમાં લોકમેળો યોજવા પાલિકાની કલેક્ટરને દરખાસ્ત, જમીનની મંજૂરી બાદ સત્તાવાર જાહેર કરાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 5 દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા તૈયારી શરૂ

ભાસ્કર ન્યુઝ | પોરબંદર પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવા પાલિકા તંત્ર દ્વારા જમીન માટે કલેકટરને દરખાસ્ત કરાઈ છે. 5 દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા તૈયારી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો બીજા નંબરનું સ્થાન ધરાવે છે. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળા દરમ્યાન જનમેદની ઉમટી પડે છે. હૈયે હૈયું દળાઈ તેટલું માનવ મહેરામણ લોકમેળો મહાલવા આવે છે. પોરબંદર જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લા માંથી પણ લોકો લોકમેળાનો આનંદ માણવા આવતા હોય છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે લોકમેળો યોજાયો ન હતો. ત્યારે આ વખતે કોરોનાની ચોથી લહેર વચ્ચે સંક્રમણ ઓછું હોય જેથી લોકમેળો યોજવાનું આયોજન થયું છે. પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયાની આગેવાની હેઠળ આ લોકમેળો યોજાશે. લોકમેળાની જમીન માટે પાલિકા દ્વારા દરખાસ્ત મુકવામાં આવી છે. લોકમેળા દરમ્યાન ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, રમકડાં, કટલેરી બજાર સહિતના સ્ટોલનું આયોજન થશે. 5 દિવસનો મેળો યોજવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. કોરોના ના 2 વર્ષ બાદ આ વખતે જન્માષ્ટમીના લોકમેળામાં આનંદ માણવા લોકો પણ થનગની રહ્યા છે. સોમવારે લોકમેળા અંગેની જમીનની મંજૂરી બાદ લોકમેળો સતાવાર જાહેર કરવામાં આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...