મોંઘવારી:પેટ્રોલ સાથે શાકભાજીના ભાવ રૂા.100 ને પાર

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુવાર 120 માં, તુરિયા-ગલકા 80 ના અને 100 ના કિલો મરચાએ ગૃહિણીની આંખોમાં પાણી લાવી દીધું

પોરબંદરમાં મોડે મોડે વરસેલા વરસાદ બાદ શાકભાજીના ભાવ ઉચકાઇ જતા પોરબંદર જીલ્લાની ગૃહિણીઓને રસોડું કેમ ચલાવવું તેની મુંજવણ થઇ ગઇ છે. મોટા ભાગના શાકભાજીના ભાવ 1 કિલોના 100 ની આસપાસ હોય ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. પોરબંદરમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખૂબ ઓછો થવાને લીધે ખેડૂતના ખેતરોમાં વાવેલો પાક મોડે સુધી પથરાયેલો રહ્યો હોવાથી શાકભાજીની અછત સર્જાવાનું શરૂ થયું હતું.

ચોમાસું પુરુ થવા આવ્યું ત્યાં સુધીતો પોરબંદર જીલ્લામાં શાકભાજીના ભાવે માજા મુકી દેતા ગૃહિણીઓ માટે શાકભાજી ખરીદવું મોંઘુ દાટ બની રહ્યું છે. પોરબંદરની શાકભાજી માર્કેટમાં ગુવાર રૂ. 120 નો કિલો, ટમેટા રૂ. 100 ના કિલો, પાંદળી રૂ. 120 ની કિલો, કંટોલા રૂ. 160 ના કિલો, ભીંડા રૂ. 100 ના કિલો, મરચા રૂ. 100 ના કિલો, લીંબુ રૂ. 100 ના કિલો, ધાણાભાજી રૂ. 300 ની કિલો, તુરીયા-ગલકા રૂ. 80 ના કિલો, ફૂલકોબી રૂ. 80 ની કિલો થઇ જતા ગૃહિણીઓને આટલું મોંઘુદાટ શાક ખરીદવું કે નહીં તેની અવઢવ થઇ રહી છે.

શાકભાજીની માર્કેટમાં હાલ રૂ. 50 થી નીચેની કિંમતમાં 40 રૂપિયા કીલો લીલી તુવેર અને 30 રૂપિયે કિલો બટેટા આ બેજ મળી રહ્યા છે. જેથી મોટા ભાગના પરિવારો કે જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે આ બે શાકભાજી ઉપર ચલાવી રહ્યા છે. શાકભાજીના ભાવ ઉંચકાતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે અને ગૃહિણીઓને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ રહ્યા છે.

શાકભાજી મોંઘા થતા લોકો ડુંગળી અને કઠોળનો ઉપયોગ કરી રહ્યા છે
શાકભાજીના ભાવ ઉંચકાતા શાકભાજીના વિકલ્પ તરીકે ગૃહિણીઓ ડુંગળી અને કઠોળની પસંદગી કરી રહી છે. જોકે ડુંગળી પણ રૂ. 40 ની કિલો અને કઠોળ પણ સરેરાશ રૂ. 80 નું કિલો હોવાથી ખાસ કશી બચત તો થતી નથી પરંતુ તેમ છતાં જે બે પૈસા બચ્યા તે ભાવનાથી મોટા ભાગના પરિવારોમાં ગૃહિણીઓ શાકભાજીના વિકલ્પ તરીકે પ્રમાણમાં થોડા સસ્તા ડુંગળી અને કઠોળનો વધુ ઉપયોગ કરી રહી છે.

શાકભાજી પાછળ ઓછામાં ઓછા દૈનિક રૂ. 150 નો ખર્ચ કરવો પડે છે
^શાકભાજી ખૂબ જ મોંઘુ થઇ ગયું છે ચાર માણસના પરિવારને અડધો કીલો લીલોતરી લેવા જઇએ તો રૂ. 60 ચૂકવવા પડે. એક કિલો બટેટા લેવા જઇએ તો રૂ. 30 ચૂકવવા પડે તે ઉપરાંત ધાણાભાજી, આદુ, મરચા અને લીંબુ પાછળ ઓછામાં ઓછા રૂ. 60 નો ખર્ચ કરવો પડે છે. આમ કુલ મળીને રોજના શાકભાજી પાછળ કુલ રૂ. 150 નો ઓછામાં ઓછો ખર્ચ કરવો પડી રહ્યો છે. જેને લીધે ઓછી આવકમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. > ટ્વિનકલ બેન ભટ્ટ, ગૃહિણી

અન્ય સમાચારો પણ છે...