આશ્ચર્ય સર્જાયું:ગેરકાયદેસર કબ્જો નહિ હોવા અંગે પુરાવા રજૂ કર્યા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસીસી કોલોનીના 200 જેટલા ક્વાર્ટર ધારકો પુરાવા રજૂ કરવા સિટીસર્વે કચેરીએ પહોંચ્યા
  • કોંગ્રેસના આગેવાનો દોડી આવતા આશ્ચર્ય સર્જાયું

પોરબંદરમાં એસીસી- એચએમપી જમીન પર હાલ 200થી વધુ ક્વાર્ટર આવેલા છે. અહીં રહેતા ક્વાર્ટર ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી કે, ક્વાર્ટર ધારકોએ સરકારની મિલકત ઉપર અનધિકૃત રીતે કબજો ધારણ કરેલ હોય, જેથી દિન 7માં કબ્જો ખાલી કરી દેવો અથવા કચેરીએ કવાર્ટરને લગતા લેખિત જવાબ સાથે આધાર પુરાવાઓ રજૂ કરવા. અન્યથા લેન્ડ ગ્રેબિંગ એકટ-2020 હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવાયું હતું. 200 જેટલા કામદારો તેમજ તેમના વારસદારોએ સંયુક્ત રીતે પુરાવા રજૂ કરવા સિટીસર્વે કચેરી ખાતે પહોંચ્યા હતા.

તેઓએ જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલા એસીસી તરફથી કર્મચારીના નાતે ક્વાર્ટર આપ્યા હતા. ફેકટરી દ્વારા કામદારોને જાણ કર્યા વિના બંધ કરી છે. તે ફડચામાં ગયેલ નથી. હાઇકોર્ટ અને લેબર કોર્ટમાં મેટર ચાલુ છે. હક હિસ્સા અંગે કોર્ટમાં મેટર છે.

ક્વાર્ટર પર ગેરકાયદેસર કબ્જો નહિ પરંતુ કંપની દ્વારા રહેણાંક માટે ઇશ્યુ કર્યા હતા જેથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ પડતો નથી. આ અંગેના પુરાવા પણ અધિકારી સમક્ષ આપ્યા હતા. આ તકે કોંગ્રેસના આગેવાનો દોડી આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ક્વાર્ટર ધારકોએ જણાવ્યું હતું કે અમે રજુઆત કરવા નહિ પણ ક્વાર્ટરમાં રહીએ તેનો પુરાવો આપવા આવ્યા છીએ. અહીં રાજકીય માહોલ યોગ્ય નથી. ક્વાર્ટર ધારકોએ રાજકીય વ્યક્તિને બોલાવી નથી તેવું પણ જણાવ્યું હતું.

પુરાવા વડી કચેરીએ મોકલવામાં આવશે : અધિકારી
એસીસી એચએમપી ની જમીન પર ક્વાર્ટર ધારકોમાં કેટલાક લોકો ગેરકાયદેસર વસવાટ કરે છે. આ જમીન 20 વર્ષથી શ્રીસરકાર હસ્તક આવેલ છે. 136 ધારકોને નોટિસ મોકલી છે. પુરાવાની ચકાસણી કરશું અને વડી કચેરીએ અહેવાલ કરશું. ત્યાંથી સુચના મળશે તે મુજબ થશે. > ગોસાઈ, સિટીસર્વે અધિકારી, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...