પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ:જુબેલી-બોખીરા વિસ્તારમાં પોલીસ ચોકીની વ્યવસ્થા કરી આપવા પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદનો વિસ્તાર ખુબ જ વિશાળ છે, જયારે વસ્તી પણ ખુબ જ વધારે છે. તે ઉપરાંત અહીંયાથી થોડે દુર કુછડી રોડ ઉપર ગરીબો માટે બનેલા 2448 આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તેથી અહીના જુબેલી-બોખીરા વિસ્તારમાં પોલીસ ચોકીની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

2448 આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની હદ ખુબ જ વિશાળ છે અને તેમાં ઉદ્યોગનગરથી માંડીને જુબેલી-બોખીરા સહિત ત્રણ માઈલ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે જુબેલી વિસ્તારમાં પુલની આજુ-બાજુમાં પોલીસ ચોકી હોવી જોઈએ. આ વિસ્તારના લોકોને પાસપોર્ટ વેરીફીકેશન સહિત અન્ય કોઈ કામગીરી માટે, કાર્યક્રમની મંજુરી માટે અહીથી 4 કિ.મી દૂર આવેલા ઉદ્યોગનગર પોલીસ મથક સુધી ધક્કા થાય છે. તેથી વહેલી તકે આ મુદ્દે તંત્ર દ્વારા પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ
તે ઉપરાંત ગરીબો માટે બોખીરા કુછડી રોડ ઉપર બનાવાયેલા 2448 આવાસ સ્થળે પણ પોલીસ ચોકીની ખાસ જરૂરીયાત છે. આ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધી છે. તે ઉપરાંત નાના મોટા ઝઘડાઓ સહિત ક્રાઈમ પણ વધ્યો છે. અહીંયા હાલ 1000 જેટલા પરીવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સલામતી માટે પોલીસ ચોકી હોવી ખાસ જરૂરી છે, તેમ જણાવીને રામદેવ મોઢવાડીયાએ ગૃહ વિભાગને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...