વીજચોરી:વર્ષમાં 7,287 જોડાણોમાંથી વીજચોરી ઝડપાઇ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજચોરીના કારણે પીજીવીસીએલ તંત્રને વીજલોસ મોટા પ્રમાણમાં થાય છે, વીજ ચોરી ડામવા તંત્રએ કમર કસી
  • પીજીવીસીએલ દ્વારા કુલ રૂ. 8 કરોડથી વધુના દંડનીય પુરવણી બિલ ફટકારાયા, વીજચોરી ઝડપવા ઝુંબેશ હેઠળ કામગીરી કરાઈ

પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ એક વર્ષમાં 7287 જોડાણો માંથી વીજચોરી ઝડપાતા કુલ રૂ. 8 કરોડથી વધુના દંડનીય પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. વીજચોરી ઝડપવા ઝુંબેશ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.પીજીવીસીએલની વિજીલન્સ સ્કવોડના અધકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માંથી છેલ્લા 6 મહિનામાં અંદાજે રૂ. 145 કરોડની વીજ ચોરી પકડી પાડી છે. ત્યારે પોરબંદર વર્તુળ કચેરી કાર્યક્ષેત્ર હેઠળ પીજીવીસીએલ દ્વારા વર્ષ 2021-22 દરમ્યાન રહેણાંક હેતુના 44625 વિજ જોડાણો, વાણીજ્ય હેતુના 3108 વિજ જોડાણો, ઔદ્યોગિક હેતુના 323 વીજ જોડાણો તથા ખેતીવાડીના 5014 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ હતા.

જેમાં રહેણાંક હેતુના 6153 વિજ જોડાણોમાં, વાણીજ્ય હેતુના 392 વિજ જોડાણમાં, ઔદ્યોગિક હેતુના 6વીજ જોડાણો તથા ખેતીવાડીના 736 વીજ જોડાણોમાં ગેરરીતી સામે આવતા આ ગેરરીતી કરનારને રૂ. 8 કરોડથી વધુના દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. વીજચોરી અટકાવવા પીજીવીસીએલ તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિજચોરીના કારણે પીજીવીસીએલ તંત્રને વિજલોસ મોટાપ્રમાણમાં થાય છે જેથી વીજચોરી ડામવા પીજીવીસીએલ તંત્રએ કમર કસી છે અને એક વર્ષ દરમ્યાન ઝુંબેશ શરૂ કરી ચેકીંગ કામગીરી દરમ્યાન 7287 સ્થળેથી વીજચોરી સામે આવતા રૂ. 8 કરોડથી વધુનું દંડનીય પુરવણી બિલ ફટકાર્યું છે.

6 માસમાં 3 ખાણો અને 7 હોટલમાંથી પાવર ચોરી ઝડપાઇ
પીજીવીસીએલ તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી 6 માસ દરમ્યાન 3 જેટલી ખાણ પાવર ચોરી કરતી ઝડપી હતી અને 6 જેટલા ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર કબ્જે કર્યા હતા આ ઉપરાંત 7 હોટલમાં વીજચોરી સામે આવતા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

કેવીરીતે વીજચોરી કરતા હતા ?
પીજીવીસીએલ તંત્રએ જણાવ્યું હતું. કે, ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગ્રાહકો લંગરિયા નાખીને વીજચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. કેટલાક લોકો સર્વિસ વાયરમાં ચેંડા એટલેકે સર્વિસ વાયરમાં સાંધો મારી વીજ મીટર બાયપાસ કરી રાત્રીના સમયે વીજચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

વીજ ચેકીંગ ઝુંબેશ ચાલુ રહેશે
પોરબંદરના પીજીવીસીએલ વર્તુળ કચેરી કાર્યક્ષેત્ર હેઠળ વિજચોરીના કારણે વીજલોસ થાય છે જેથી આગામી સમયમાં પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી વીજચોરી અટકાવી, વીજચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. > નાગાજણભાઈ પરમાર, નાયબ ઈજનેર, પીજીવીસીએલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...