રશીયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા અનેક ભારતીયો ત્યા ફસાયા છે. જેઓને ઓપરેશન ગંગા હેઠળ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લાનો પ્રયાગ લાડાણી પણ ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ વતન પરત ફર્યો હતો. જેને લઈ તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો સહિત ગામલોકોએ ગરબા રમીને તેનું સ્વાગત કર્યુ હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે, ત્યારે યુક્રેન સહિતના ત્યા વસતા લોકો સુરક્ષીત સ્થળો શોધી ત્યાથી નિકળી રહ્યા છે. આ માહોલમાં હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા હતા. જેમાં પોરબંદર જિલ્લાના પણ 10 વિદ્યાર્થીઓ યુક્રેન અને પોલેન્ડ સરહદ પણ ફસાયેલા હતા. જેમાંથી પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામના રહેવાસી અને યુક્રેનમા એમબીબીએસના અભ્યાસ અર્થે ગયેલા પ્રયાગ લાડાણી પણ આ યુદ્ધના માહોલમાં ફસાયા હતો.
પોરબંદરના વિદ્યાર્થીની અનેક મુશ્કેલીઓ સહન કર્યા બાદ ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ વતન વાપસી થઈ હતી. પ્રયાગ યુદ્ધના માહોલમાથી હેમખેમ પોતાના ગામ આદિત્યાણા ખાતે પરત આવતા ગ્રામજનો દ્વારા ઢોલ-શરણાઈ સાથે તેનું સ્વાગત કર્યુ હતું.
પ્રયાગે ત્યાની પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે તેના જેવા વિદ્યાર્થીઓને ત્યાંથી પરત લાવવા જે ઓપરેશન ગંગા ચલાવ્યું છે તેને લઈ તેઓએ સરકારનો આભાર માન્યો હતો.
યુક્રેનમાં યુદ્ધના માહોલ વચ્ચે પોતાનો પુત્ર ફસાયેલો હોવાથી પ્રયાગના માતા-પિતા પણ સતત ચિંતામાં હતા. પરંતુ પોતાનો પુત્ર હેમખેમ વતન પહોંચી જતા પ્રયાગના માતા-પિતાના ચહેરામાં પણ ખુશી જોવા મળી હતી. પ્રયાગના પિતા હિતેશ લાડાણીએ જણાવ્યું હતું કે, જે રીતે ત્યાં માહોલ હતો અને ભુખ્યા તરસ્યા આ વિદ્યાર્થીઓએ વતન વાપસી માટેના પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન ગંગા શરુ કરાયું છે તેના કારણે જ તેઓનો પુત્ર સલામત અહીં પહોંચ્યો છે તેથી સરકારનો આભાર વ્યક્ત કરૂ છું. સાથે જ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જો ત્યાં માહોલ બરાબર થશે અને તેના પુત્રની ઇચ્છા હશે તો તેઓ જરૂરથી તેને યુક્રેનમાં ફરી મોકલશે.
રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન હાલમાં જે રીતે ત્યાની પરિસ્થતિ ખરાબ થઈ રહી છે ત્યારે વહેલીતકે ભારતીય વિદ્યાર્થીઓ પરત દેશમાં આવે તે માટે ભારત સરકારના ઓપરેશન ગંગા દ્વારા પણ સતત પ્રયાસો કરીને વિદ્યાર્થીઓને એરલીફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેના જ ભાગરૂપે મોટાભાગના વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આ તકે વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.