તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજારોમાં મંદી:મેઘરાજાના રીસામણાથી પોરબંદરની બજારમાં મંદી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાંધણ છઠ સુધી જોઇએ તેવી ખરીદી ન નીકળતા વેપારીઓ અકળાયા

ગત 2 જન્માષ્ટમીથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતા બબ્બે વખત આવેલા લોકડાઉનના પગલે તેમજ લોકો કોરોનાની માંદગીને લઇને મુરજાઇ જતા પોરબંદરની બજારમાં મંદી જોવા મળી રહી છે અને તેમાંય આ વર્ષે વરસાદ ખેંચાતા પોરબંદરની મુખ્ય બજારમાં તહેવાર દરમિયાન રાંધણ છઠ સુધી ખરીદી ન નીકળતા વેપારીઓ અકળાઇ ગયા છે. પોરબંદરમાં દર જન્માષ્ટમીએ યોજાતો લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન લોકમેળો યોજાય તે પહેલા દર વર્ષે જન્માષ્ટમી ઉપર પોરબંદરની મુખ્ય બજારમાં ગ્રાહકોનો ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ દેશ અને રાજયમાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ પોરબંદરની બજારોમાં મંદીનો માહોલ ફેલાયો છે અને અધુરામાં પુરું આ વખતે વરસાદ ખેંચાતા સમગ્ર જીલ્લામાં મંદીનો માહોલ છાપરે ચડીને પોકાર પાડી રહ્યો છે. મોટા ભાગે જન્માષ્ટમીના તહેવારો ઉપર લોકમેળો યોજાય તે પહેલા પંદરેક દિવસ અગાઉથી જ ઘરાકી જોવા મળતી હોય છે.

લોકો બજારમાં મેળામાં જવા માટે નવા કપડા, બૂટ-ચપ્પલ, કટલેરી સહીતની વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે. પરંતુ છેલ્લા બે વખતથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા લોકમેળો યોજવામાં આવતો નથી અને લોકમેળો યોજાવાનો ન હોવાથી લોકો આવી બધી વસ્તુઓની ખરીદી કરવામાં આળસ કરી રહ્યા છે જેને પગલે પોરબંદરની બજારોમાં ભયંકર સુસ્તી જોવા મળી રહી છે અને તેમાં પણ કોરોનાને લીધે ઓનલાઇન ખરીદીનું ચલણ વધી જતા ઓનલાઇન ખરીદીનો ક્રેઝ પોરબંદરની બજારોમાં મંદીના મુખ્ય કારણમાં એક હોવાથી વેપારીઓને ફટકો પડી રહ્યો છે.

રક્ષાબંધન પર રાખડીની ખરીદી બાદ બજારમાં ભારે સુસ્તી
પોરબંદરની બજારોમાં રક્ષાબંધનના તહેવાર પહેલા લોકોની ભીડ જોવા મળતી હતી પરંતુ આ ભીડ માત્ર રાખડીની ખરીદી કરવા માટે એકત્રીત થતી હતી. જેથી રાખડીની સીઝનલ ધંધા સિવાય બીજા ધંધાર્થીઓને આ ભીડથી કોઇ ખાસ લાભ થયો ન હતો. રક્ષાબંધન પુરુ થતાની સાથે જ બજારમાં ભારે સુસ્તી જોવા મળી રહી છે.

ખરીદીને બદલે ફરવાના આયોજન થઇ રહ્યા છે
દર વર્ષે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાય તે પહેલા લોકો મોટા પ્રમાણમાં ખરીદી પાછળ ખર્ચ કરે છે. પરંતુ આ વર્ષે પણ ગત વર્ષની માફક લોકમેળો યોજાવાનો ન હોવાથી લોકો ખરીદી પાછળ ખર્ચ કરવાને બદલે તહેવારો પર બહારગામ ફરવા જવાના આયોજન કરી આવા આયોજન પાછળ ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

શું કહે છે વેપારી ?
પોરબંદરની બજારમાં ઘણા સમયથી વેપાર કરું છું. એક તરફ આખા વર્ષનો જેટલો ધંધો થાય છે તેટલો ધંધો મુખ્ય બે તહેવાર જન્માષ્ટમી અને દિવાળી પર થાય છે. પરંતુ આ વખતે જન્માષ્ટમી પર દર વર્ષે થતા વેપારના 50 ટકા વેપાર પણ થયો નથી અને વરસાદ ખેંચાતા ગામડાના લોકોની ખરીદીનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ગામડાની ઘરાકી તો આ વખતે 40 ટકા પણ માંડ માંડ થઇ છે. - દિપેન કારીયા, વેપારી

અન્ય સમાચારો પણ છે...