પોરબંદરના આરોગ્ય શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ મેનપાવરની કામગીરીનો એક કોન્ટ્રાકટ આપી દીધો છે જેથી જવાબદાર અધિકારી સામે પગલા ભરવા સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. હાલમાં આરોગ્યશાખા પોરબંદર અને જૂનાગઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 3 અને વર્ગ 4ની આઉટસોર્સથી મેનપાવર પુરો પડવાની કામગીરી થઈ રહેલ છે.
પોરબંદરમાં વર્ગ3 ની આઉટસોર્સથી મેનપાવરની કામગીરી ઈથોસ, એચ.આર, મેનેજમેન્ટ અમદાવાદની એજન્સીને અને વર્ગ 4 ની આઉટસોર્સથી મેનપાવરની કામગીરી એસ. આર. એન્ટરપ્રાઈઝ, મહેસાણાને સોપવામાં આવેલ છે. તેવી જ રીતે જૂનાગઢ આરોગ્ય શાખા ખાતે વર્ગ3 અને વર્ગ 4 ની આઉટસોર્સથી મેનપાવરની કામગીરી ઈથોસ. એચ. મેનેજમેન્ટ અમદાવાદને સોંપવામાં આવેલ છે.
આ તમામ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જેથી સ્પષ્ટ પણે જણાય આવે છે કે આ નિયમ વિરુદ્ધ અધિકારીઓની મીઠી નજર હેઠળ કામગીરી થઈ રહી છે. હાલમાં આરોગ્યશાખા પોરબંદર તથા જૂનાગઢ ખાતે જે એજન્સીઓ આઉટસોર્સથી મેનપાવર પુરો પાડે છે તે એજન્સીઓ સરકારની કોઇપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ અધિકારીઓની મિલીભગતથી મંજુર થયેલ ભાવો મુજબ અધિકારઓ દ્વારા કાર્યાલય આદેશ કરવામાં આવેલ છે. જેથી ઉચ્ચકક્ષાએથી તપાસ કમિટીની રચના કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર બાબુભાઇ વેજાભાઈ પાંડાવદરાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.
નીચેના કર્મીનો પગાર નિયમિત ન હોય તો અધિકારીને પણ હક નથી : જિલ્લા આરોગ્ય અધિકારી
અગાવની ટેન્ડર પ્રક્રિયામા જે તે વખતે એજન્સી સમયસર પગાર કરતી ન હતી. ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીનો પગાર પણ અટકાવવામાં આવ્યો હતો. નીચેના કર્મીનો પગાર નિયમિત ન હોય તો અધિકારીને પણ હક નથી. તે વખતે જેતે એજન્સીને નોટિસ પણ આપવામાં આવી હતી. જે તે વખતે પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સમિતિની બેઠકમાં, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખાસ રજુઆત કરી ઇથોસને કામ આપવું તેવી દરખાસ્તની ફાઇલ ડીડીઓ સમક્ષ મૂકી હતી અને ડીડીઓએ મંજૂરી આપી હતી. - કવિતાબેન દવે, જિલ્લા આરોગ્ય અધિકારી, પોરબંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.