મંજૂરીની મહોર લાગી:પોરબંદર- છાયા પાલિકા વિસ્તારમાં સીટી બસ સેવા શરૂ થશે, સીટી બસ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 13 સીટી બસ દોડશે
  • લાંબા સમયથી સીટી બસ સેવા બંધ રહી હતી

લાંબા સમયથી પોરબંદરમાં સીટી બસ સેવા બંધ રહી છે. આ સીટી બસ સેવા શરૂ કરવા સરકાર દ્વારા મંજૂરીની મહોર લાગી છે ત્યારે પાલિકા દ્વારા આગામી દિવસોમાં સીટી બસ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. આવનારા સમયમાં સીટી બસ શહેરમાં દોડતી થશે.

પોરબંદરમાં સીટી બસ સેવા 2016મા બંધ થઇ હતી. શહેરમાં 2016મા સીટી બસના પૈડાં થંભી ગયા હતા બાદ 2018મા સીટી બસ સેવા ફરી શરૂ થઇ હતી પરંતુ બાદ ફરીથી સીટી બસના પૈડાં થંભી ગયા હતા. પોરબંદરમાં વર્ષોથી ચાલતી સીટી બસ સેવા પોરબંદર શહેરીજનો માટે આશિર્વાદ સમાન હતી. પરંતુ સપ્ટેમ્બર 2016મા ખાનગી કંપનીને સોંપેલો સીટી બસ સેવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો હતો અને અનેક વખત ફરી સીટી બસ સેવા શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવ્યા બાદ પાલિકાએ નવા કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપ્યો પણ ચાર દિવસની ચાંદનીની જેમ આ ફરી શરૂ કરાયેલી સિટી બસ સુવિધા બંધ થઈ ગઈ હતી. જેથી શહેરીજનોને ફરીથી ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો હતો.

સીટી બસ શરૂ ન થતા સિનીયર સીટીઝનો, કર્મચારીઓ, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રીક્ષાઓના મસમોટા ભાડા ચુકવવા પડી રહ્યા છે. સીટી બસ બંધ થવાથી રીક્ષાચાલકો બેફામ બન્યા છે. શહેરમાં મુસાફરી માટે અન્ય કોઇ વાહનો ન મળતા હોય, મુસાફરોની મજબુરીનો લાભ પણ કેટલાક રીક્ષાચાલકો લઇ મનફાવે તેવા ભાડા વસુલી રહ્યા છે ત્યારે સીટી બસ શરૂ કરવા અનેક વખત રજૂઆતો ઉઠી હતી જેને પગલે સરકાર દ્વારા પોરબંદરમાં સીટી બસ સેવા શરૂ કરવા મંજૂરી મળી છે.

પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું છેકે, શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત સરકારે મંજૂરી આપી છે અને પાલિકા દ્વારા સીટી બસ શરૂ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગણતરીના દિવસો માજ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને વહેલી તકે સીટી બસ શહેરના માર્ગો પર દોડતી થશે તેવું જણાવ્યું છે.

13 પૈકી 11 બસ સીટીમાં દોડશે, 2 બસ પ્રવાસન સ્થળ માટે મુકાશે
ચીફ ઓફિસરે જણાવ્યું હતુંકે કુલ 13 સીટી બસ મુકવામાં આવશે, જેમાં 11 બસ સીટીમા 11 રૂટ પર દોડશે. જેમાંથી 2 બસ સરક્યુલર 2 રૂટ પર દોડશે. આ સરક્યુલર રૂટ 20 કિમીનો રૂટ હશે જે સુદામા ચોકથી સુદામા ચોક સુધીનો રહેશે. 2 હેરિટેજ બસ મુકાશે જે પ્રવાસન સ્થળો માટે મુકવામાં આવશે.

ક્યાં રૂટ પર ચાલશે?
પોરબંદરમા સીટી બસ શરૂ થશે જે આધુનિક બસ પોરબંદર છાયા પાલિકાના મુખ્ય વિસ્તારોમા દોડશે. જેમાં જિલ્લા સેવા સદન, સાંદિપની, નવી કોર્ટ કે જયાં લોકો વધુ આવતા જતા હોય, આ ઉપરાંત છાયા, ધરમપુર, બોખીરા જ્યૂબેલી સહિતના રૂટ પર દોડશે અને સીટી બસનું ભાડું લોકોને પરવડે તે રીતે રાખવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું છે.

આધુનિક સીટી બસમાં કેવા પ્રકારની સુવિધા ?
આ સીટી બસમા સીસી ટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવશે. સીટી બસ CNG ઇકો ફ્રેન્ડલી બસ હશે જેથી પ્રદુષણ થશે નહીં. આરામ દાયક સીટો વાળી આધુનિક બસમા સુવિધા ઉપલબ્ધ થશે.

સીટી બસ શરૂ થતા શહેરમાં ચારચાંદ લાગી જશે
પોરબંદરમાં લાંબા સમયથી સીટી બસ સેવા બંધ હતી. હાલ સીટી બસ શરૂ થવાના સમાચાર મળતા સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતુંકે, શહેરમાં સીટી બસ બંધ હોવાથી કર્મચારીઓ, શ્રમિક વર્ગ, છાત્રો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોને ફરજિયાત ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડતી હતી. હવે સીટી બસ શરૂ થશે તો આ વર્ગને સરળતા રહેશે અને શહેરના વિકાસમા ચાર ચાંદ લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...