રાજ્યમાં કૃષિ અને મત્સ્ય ઉદ્યોગની અવદશાને લઈને મોઢવાડિયાએ વિધાનસમાં રાજ્ય સરકારને ઘેરી હતી. વડાપ્રધાનએ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક ડબલનું વચન આપેલુ, પરંતુ ખેડૂતોની આવક તો ડબલ ન થઈ ખર્ચ ડબલ થયા અને પાક વીમો છીનવી લેવાયો હોવાનું જણાવ્યું હતું.
વિધાનસભામાં કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ અંગે ચર્ચા દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યની ભાજપ સરકારને અરીશો બતાવ્યો હતો, અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યુ હતું કે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાની છે, આવક તો ડબલ ન થઈ પરંતુ ખેડૂતોનો ખર્ચ ડબલ થઈ ગયો. જેના કારણે આજે ખેડૂત દેવાનાં ડુંગર નીચે દબાઈ રહ્યો છે.
કોંગ્રેસ સરકારમાં ખેડૂતોને રૂ 450 ની આસપાસ મળતું ડી.એ.પી.અને એન.કે.પી. ખાતર નો આજે રૂ 1300 થી 1400 જેટલો ભાવ થઈ ગયો છે. યુરીયા ખાતરની બેગના ભાવ એટલા જ રાખ્યા, પરંતુ બેગમાં ખાતરની ભરતી 50 કેજીને બદલે 45 કેજી કરી દીધી. ટ્રેક્ટર ઉપર જી એસ ટી લાદી દીધી અને ભાવ બમણા થયા, ટ્રેક્ટરમાં વપરાતા ડીઝલના ભાવ પોણા બે ઘણા વધી ગયા. પેટ્રોલના ભાવ બમણા થયા, બિયારણ, દવાઓ સહિત તમામ ખર્ચ બમણો થઈ ગયો છે, પરંતુ ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી. એટલુ જ નહીં ખેડૂતોને મળતો પાક વીમો છીનવી લેવામાં આવ્યો છે.
ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ગુજરાતનો માછીમાર દુઃખી
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની નિતીઓના કારણે માછીમાર ભાઈઓ ઉપર પણ એટલો જ માર પડ્યો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં બેફામ વધારાથી આજે અડધાથી વધુ બોટો બંધ પડેલ છે, બંદરો ઉપર ડ્રેજીંગ સમયસર થતુ નથી. માછીમાર ભાઈઓને પણ તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે આજે ગુજરાતનો માછીમાર દુઃખી છે.
27 વર્ષમાં એકપણ નવુ ફિશિંગ ટર્મિનલ કે ફિશિંગ હાર્બર નથી બનાવ્યંુ
માછીમારોને બંદર ઉપર બોટ લાંગરવાની પણ પર્યાપ્ત જગ્યા મળતી નથી. ગુજરાતમાં અત્યારે ૨૫ જેટલા ફિશિંગ ટર્મિનલ છે અને 11 જેટલા ફિશિંગ હાર્બર છે તે તમામ કોંગ્રેસ સરકારોમાં બંધાયેલા છે. ભાજપ સરકારે ગુજરાતમાં 27 વર્ષમાં એકપણ નવુ ફિશિંગ ટર્મિનલ કે ફિશિંગ હાર્બર બનાવેલ નથી. આજે ગુજરાતમાં બે લાખ કરતા વધુ માછીમારો છે, 28635 જેટલી મીકેનાઈઝ બોટ છે, જેમાંથી 10000 થી વધુ ટ્રોલર છે જે 20 મીટર કરતા મોટા હોય છે, છતાં તેને લંગારવાની કોઈ જગ્યા નથી.
બંદરોનો વિકાસ ક્ષમતા મુજબ થતો નથી, મહાબંદર તરીકે વિકસાવવા માંગ
27 વર્ષના શાસનમાં ભાજપ સરકારે એકપણ નવુ સરકારી બંદર બનાવેલ નથી. જેના કારણે બંદરોનો વિકાસ ક્ષમતા મુજબ વિકાસ થતો નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં સરકાર સમક્ષ માંગ કરી હતી કે પોરબંદર, ઓખા, ભાવનગર, વેરાવળ, મહુવા સહિતના જે સરકારી બંદરો છે તેની ક્ષમતામાં વધારો કરી તેમને મહા બંદર તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.