કોરોના ઇફેક્ટ:પોરબંદર જિલ્લાના લોકો આજે જન્માષ્ટમીનો લોકમેળો મિસ કરશે

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો કોટ ફરવાની પરંપરા જાળવશે, સાતમ-આઠમનાં તહેવાર નિમિતે પોરબંદરમાં પ્રવાસીઓ ઉમટયા

પોરબંદર જિલ્લાના લોકો આજે જન્માષ્ટમીનો લોકમેળો મિસ કરશે. લોકો કોટ ફરવાની પરંપરા જાળવશે. તહેવાર નિમિતે પોરબંદરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.પોરબંદર શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાનું અનેરું મહત્વ રહેલું છે. રાજશાહીના વખતથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવતો હતો. પોરબંદરનો લોકમેળો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ચોપાટી ખાતેના લોકમેળો અને પાર્ટીપ્લોટ તેમજ હાથી ગ્રાઉન્ડ પર આનંદ મેળાની મજા માણવા જિલ્લાભરના લોકો તેમજ અન્ય જિલ્લા માંથી લોકો ઉમટી પડતા હોય છે અને હૈયે હૈયું દડાઈ તેટલી જનમેદની એકઠી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે સતત બે વર્ષથી લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

લોકમેળો રદ થતા બાળકોથી માંડીને સિનિયર સિટીઝનો પોરબંદરના ભાતીગળ લોકમેળાને મિસ કરી રહ્યા છે. જોકે લોકોની સલામતી માટે લોકમેળો રદ કરવાના નિર્ણયને નાગરિકોએ આવકાર્યો છે. યુવાવર્ગે જણાવ્યું હતું કે સતત બે વર્ષથી લોકમેળો મિસ કરીએ છીએ. લોકમેળો નહિ થાય પરંતુ લોકો જન્માષ્ટમીના દિવસે કોટ ફરવા જશે. રાજાશાહીના વખતમાં પોરબંદર ફરતે કિલ્લો હતો અને કિલ્લાની રાંગ પર દર જન્માષ્ટમીના દિવસે સવારે લોકો ફરવા નીકળતા અને આખા કિલ્લાની પ્રદક્ષિણા કરતા. રસ્તામાં જેટલા મંદિર આવતા તેના દર્શન કરતા હતા. આજેપણ આ કોટ ફરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. પહેલા લોકો ચાલીને પ્રદક્ષિણા કરતા પરંતુ હાલ કેટલાક લોકો વાહનો ચલાવીને પ્રદક્ષિણા કરે છે.

આજે જન્માષ્ટમીના દિવસે લોકો કોટ ફરવાની પરંપરા જાળવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિતે પોરબંદરમાં પ્રવસીઓની સંખ્યામાં વધારો થયો છે. તહેવારમાં લોકો પોતાના સબંધીઓના ઘરે મહેમાન બની આવે છે તો બીજી તરફ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને સુદામા મંદિરના દર્શને યાત્રિકો આવે છે. તહેવાર દરમ્યાન પોરબંદરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને પ્રવાસીઓ માટે પોરબંદરનું ઘરેણું એવી ચોપાટી આકર્ષણનું બની રહે છે ત્યારે તહેવાર નિમિતે પ્રવાસીઓ સવારથી ચોપાટી ખાતે ઉમટી પડ્યા છે અને દરિયાકાંઠે પગ બોળી રમણીય ચોપાટીનો નજારો મોબાઈલ અને કેમેરામાં કેદ કરી ચોપાટીની મજા માણી રહ્યા છે.

આજે પણ કિલ્લાના અવશેષ છે
જુના પોરબંદરમાં કિલ્લાના અવશેષ આજે પણ છે. કોટ ફરતી વખતે શીતલાચોક મા ગઢ છે ત્યાંથી સ્ટેશન રોડ પર થઇ, હનુમાન ગુફા પોલીસ ચોકીથી રાણીબાગ અને ત્યાંથી સોનીબજાર થઈ શીતલાચોક સુધીની પ્રદક્ષિણા કરતા હતા. હજુમાનગુફા પોલીસ ચોકી કિલ્લાનો જ ભાગ હતો.

લોકો ચોપાટી સહિતના સ્થળે તહેવાર માણસે
કોરોનાને પગલે લોકમેળો રદ થયો છે ત્યારે પોરબંદરની ઉત્સવપ્રેમી જનતા તહેવાર દરમ્યાન ચોપાટી, રિવરફ્રન્ટ, માધવપુર, રંગબાઈ દરિયાકિનારો, સાંદિપની, કુછડી ખીમેશ્વર મંદિર સહિતના રમણીય અને ધાર્મિક સ્થળોએ જઈ તહેવારને યાદગાર બનાવશે.

અન્ય સમાચારો પણ છે...