હાલાકી:યાર્ડ પાછળની ખાડીના રસ્તો બિસ્માર

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજારો વાહન ચાલકોની રોજની અવરજવર : અકસ્માતનો ભય, સમારકામ કરવા માંગ

પોરબંદર શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાછળના ખાડીવાળા વિસ્તારમાં પસાર થતા માર્ગની અત્યંત દયનિય સ્થિતિ બની હોવાના કારણે વાહન ચાલકોને પસાર થવામાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોવા અંગે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો કડિયા પ્લોટમાંથી પસાર થાય છે. અને આ રસ્તો છેલ્લા ઘણા મહિનાથી બિસ્માર બન્યો છે. જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને કારણે આ માર્ગની બત્તર સ્થિતિ બની છે.

આ અંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું છે કે પોરબંદરના સામા કાંઠામાં અનેક સોસાયટીઓ આવેલી છે. અને માર્કેટિંગ યાર્ડ સહિત નેશનલ હાઇવે તરફ જવા માટે લોકો કડિયા પ્લોટના ખાડીમાં આવેલ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તામાં ચોમાસા દરમિયાન ખૂબ જ ભંગાણ થયું છે. જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં વારંવાર હાડમારી વેઠવી પડી રહી છે.

આ અંગે રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા તંત્રને જણાવ્યું છે કે કડિયા પ્લોટની ખાડીથી ખોડીયાર મંદિર થઈને માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો બિસ્માર બન્યો છે. અને મોટા મોટા ગાબડા પડી ગયા છે. તેમજ અહીં કડિયા પ્લોટ મિલ પરા, ઝુંડાળા સહિતના વિસ્તારના લોકો અવરજવર કરે છે. જેથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાય છે.

ઉદ્યોગ નગરના કામદારોને રાત્રિના સમયે લોખંડના સળિયા વાળા માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ
ખાસ કરીને ઉદ્યોગ નગરના જુદા જુદા કાર ખાનામાં કામ કરતા કામદારો આ રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે રસ્તા ઉપર કોંક્રેટ અને સળિયા એટલી હદે બહાર નીકળી ગયા છે. કે વાહન ચાલકોના ટાયરોમાં ખૂપી જાય છે. જેથી વાહન ચાલકોમાં રાત્રિના સમય દરમિયાન તો અકસ્માતનો ભોગ બનવાનો ભય સેવાઈ રહ્યો છે. અને અહીં રાત્રિના વધુ પડતા લોકોની અવરજવર થઈ રહી છે. છતાં તંત્ર રસ્તાનું સમારકામ કરવામાં ઘોર બેદરકારી દાખવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...